
અમરેલી,23 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઘરાઇ ગામ ખાતે ઘરાઇ–મોણપુર રોડના રૂ. 1.50 કરોડના ખર્ચે થનારા રીસર્ફેસીંગ કાર્યનું ખાતમુહૂર્ત વિધાનસભ્ય જનકભાઈ તળાવિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ માર્ગનું રીસર્ફેસીંગ કાર્ય પૂર્ણ થવાથી ઘરાઇ તેમજ મોણપુર ગામના નાગરિકોને આવાગમનમાં નોંધપાત્ર સુવિધા મળશે. વર્ષોથી ઉપયોગમાં રહેલા માર્ગની સ્થિતિ સુધરતા વાહનવ્યવહાર વધુ સરળ અને સલામત બનશે. ખાસ કરીને ખેડૂતોએ પોતાના ખેતીપેદાશોને બજાર સુધી લઈ જવામાં સરળતા અનુભવશે, જ્યારે વિદ્યાર્થીઓ અને રોજગારી અર્થે જતા નાગરિકોને પણ સમય બચત થશે.
ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું કે ગ્રામીણ માર્ગોનો વિકાસ એ ગામડાના સર્વાંગી વિકાસનો આધાર છે. સારા માર્ગો થકી સમય અને ઇંધણની બચત થાય છે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે છે. તેમણે કાર્યની ગુણવત્તા અને સમયમર્યાદામાં પૂર્ણતા પર ખાસ ધ્યાન આપવા માટે તંત્રને સૂચના આપી હતી.
આ વિકાસ કાર્યથી ઘરાઇ–મોણપુર વિસ્તારના લોકોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai