


મહેસાણા, 23 ડિસેમ્બર (હિ.સ.) : લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખાતા મીડિયાકર્મીઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણા જિલ્લામાં ‘ફિટ ઈન્ડિયા – ફિટ મીડિયા’ થીમ હેઠળ એક નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ મહેસાણા જિલ્લા માહિતી કચેરી અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આઈ.એમ.એ. મણિલાલ હોલ ખાતે યોજાયો હતો.
આ વિશેષ આરોગ્ય કેમ્પમાં જિલ્લાના પત્રકાર મિત્રોને વિવિધ આરોગ્ય તપાસ સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી. કેમ્પ દરમિયાન બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઈસીજી, એક્સ-રે તેમજ હિમોગ્લોબિન જેવી મહત્વપૂર્ણ તપાસ કરવામાં આવી, જેથી મીડિયાકર્મીઓ પોતાના સ્વાસ્થ્ય અંગે સમયસર જાણકારી મેળવી શકે. ઝડપી જીવનશૈલી અને કામના દબાણ વચ્ચે કામ કરતા પત્રકારો માટે નિયમિત આરોગ્ય તપાસ કેટલીઘણી જરૂરી છે તે બાબતે પણ જાગૃતિ ફેલાવવામાં આવી.
આ અવસરે ડૉ. વિષ્ણુભાઈ પટેલ, નાયબ માહિતી નિયામક જીગરભાઈ ખુંટ, સિનિયર સબ એડિટર શિવરામ આલ, જિલ્લાના પત્રકારશ્રીઓ, રેડ ક્રોસ સોસાયટીનો મેડિકલ સ્ટાફ તથા માહિતી ખાતાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વસ્થ મીડિયા કર્મીઓ દ્વારા જ સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળી શકે છે—એ સંદેશ સાથે આ કેમ્પનું આયોજન અર્થપૂર્ણ બન્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR