
મહેસાણા,, 23 ડિસેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ટીંબા રોડ વિસ્તારમાં ખાણ ખનિજ વિભાગ, મહેસાણા દ્વારા ખનિજચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનિજ વિભાગ, મહેસાણાની ટીમે ચેકિંગ દરમિયાન સાદી રેતી અને અધર બિલ્ડીંગ સ્ટોનની બિન-અધિકૃત ખનિજ ચોરી ઝડપી પાડી હતી.
આ કાર્યવાહીમાં અંદાજિત રૂ. 60 લાખની કિંમત ધરાવતા કુલ 02 ડમ્પર વાહનો ગેરકાયદેસર રીતે ખનિજ પરિવહન કરતા ઝડપાયા હતા. તપાસ બાદ ખનિજ ચોરી સાબિત થતા નિયમો અનુસાર કાર્યવાહી કરીને દોષિતો સામે કુલ રૂ. 4.59 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વિભાગ દ્વારા ખનિજ ચોરીને કારણે પર્યાવરણને થતું નુકસાન અને સરકારી આવકમાં થતી ખોટને ધ્યાનમાં રાખીને નિયમિત તપાસ અને અચાનક ચેકિંગ કરવામાં આવે છે. સતલાસણા તાલુકામાં થયેલી આ કાર્યવાહીથી ખનિજચોરોમાં ખળભળાટ મચ્યો છે.
ખાણ ખનિજ વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે, જિલ્લામાં ક્યાંય પણ ગેરકાયદેસર ખનન કે પરિવહન કરવામાં આવશે તો આવા તત્વો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. આ કામગીરીથી કુદરતી સંસાધનોના સંરક્ષણ સાથે સાથે કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાની તંત્રની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR