
પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં 16 થી 22 ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ગણિત દિવસની સપ્તાહભરની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં રાજ્યના 9 જિલ્લાઓની 33 શાળાઓના 3500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ 1000થી વધુ સામાન્ય નાગરિકો જોડાયા હતા, આમ કુલ 4500થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો.
ઉજવણી દરમિયાન દરરોજ ગણિત આધારિત વિવિધ શૈક્ષણિક અને રસપ્રદ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. તેમાં રામાનુજનના જીવન પર ડોક્યુમેન્ટરી, ‘વિકસિત ભારત’ વિષયક ટૂંકી ફિલ્મ, ગણિતના કોયડા, ચિત્ર અને ક્વિઝ સ્પર્ધા, ઓરીગામી વર્કશોપ, મેથ્સ મેજિક અને ગણિત-વિજ્ઞાન સંબંધિત નિષ્ણાત ચર્ચાઓનો સમાવેશ થતો હતો.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે વિકસિત ભારતના નિર્માણમાં ગણિતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ગણિત માત્ર ગણતરી પૂરતું સીમિત ન રહેતા, તર્કસંગત વિચારશક્તિ, સમસ્યા ઉકેલવાની કુશળતા અને વિવેચનાત્મક દૃષ્ટિકોણ વિકસાવવામાં મહત્વનો ફાળો આપે છે, જે દેશના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ