
વલસાડ, 23 ડિસેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લાના ભીલાડ વિસ્તારમાં SOG ટીમે માદક પદાર્થોના વેપાર સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન પોલીસે એક આરોપીને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 722 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 36,100/- થાય છે. ઉપરાંત, એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવતા કુલ રૂપિયા 41,100/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી ભીલાડ–નરોલી રોડ પર ઇન્ડિયાપાડા વિસ્તારમાં કરવામાં આવી હતી, જ્યાં આરોપી દિપુ રામકુમાર વર્મા (ઉંમર 32, મૂળ રહેવાસી ઉન્નાવ જિલ્લો, ઉત્તરપ્રદેશ) ગાંજાનું છૂટક વેચાણ કરતા મળી આવ્યો હતો. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ, 1985 હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે