
સુરત, 23 ડિસેમ્બર (હિ.સ.): એવી શાળા કે જ્યાં ભણવાનું તો મળે જ, સાથે જમવાનું પણ મળે અને જમવાના સમય પહેલા ભૂખ લાગે ત્યારે બ્રંચ, એટલે કે રોજે રોજ અલ્પાહાર પણ મળે. આવો નાસ્તો પૌષ્ટિક હોય, સ્વાદિષ્ટ પણ હોય અને રોજ અલગ અલગ મળે તો....! વાહ ભાઈ વાહ ! તો તો ભણવાની મજા જ પડી જાય. આવો વિદ્યાર્થી કેન્દ્રી વિચાર સાકારિત થયો છે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ભાવિ પેઢીના ઘડતર માટે 'પઢાઈ ભી, પોષણ ભી'નું વિઝન આપ્યું છે. આ વિઝનને સાકાર કરવા માટે રાજ્ય સરકારે એક કલ્યાણકારી પહેલ કરી 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' અમલમાં મૂકી છે. આ યોજનાથી રાજ્યની 32,200થી વધુ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 40 લાખથી વધુ વિદ્યાર્થીઓના જીવનમાં પોષણનું નવું કિરણ ફેલાયું છે. સુરત જિલ્લાની કુલ 913 શાળાના 82 હજાર કરતા વધારે બાળકો તેમજ સુરત મહાનગરપાલિકાની 373 શાળાના 1 લાખ 50 હજાર કરતા વધારે બાળકો રોજ આ યોજના હેઠળ પોતાની શાળામાં અલ્પાહાર ગ્રહણ કરે છે.
સુરતના પાલનપોર ગામમાં આવેલી કવિ ઉશનસ પ્રાથમિક શાળા ક્રમાંક 318ના મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરૂકીયા જણાવે છે કે, વર્ષ 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ શરૂ કરવામાં આવેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના શારીરિક અને માનસિક વિકાસને વેગ આપવાનો છે. 'સુપોષિત ગુજરાત મિશન' અંતર્ગત, આ યોજના દ્વારા સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓના બાળકોને પીએમ પોષણ યોજનામાં મધ્યાહન ભોજન ઉપરાંત વધારાનો પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવામાં આવે છે. જેનાથી બાળકનું પેટ સંતૃપ્ત રહે, આ કારણે બાળકોનું સ્થાયીકરણ અને તંદુરસ્તી વધે છે. સાયન્ટીફીક ડાયેટ પ્રમાણે બાળકોને આ નાસ્તામાંથી 200 કિલોકેલેરી અને 6 ગ્રામ પ્રોટીન પ્રતિ દિન ન્યુટ્રીશન વેલ્યુ મળે છે.
વધુમાં તેમણે કહ્યું કે, તેમની શાળાના બાળકોના એચ.બી લેવલની તપાસ કરાવતા નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. મેનુ પ્રમાણે રોજ અલગ વાનગીઓ પીરસવામાં આવે છે, જેમાં સુખડી- પોષણથી ભરપૂર પરંપરાગત વાનગી, પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત ચણાચાટ, શારીરિક વૃદ્ધિ માટે જરૂરી તત્વો પૂરા પાડતું મિક્સ કઠોળ, મિલેટ-બેઝ્ડ સ્નેક્સ તેમજ ' અન્ન'- બાજરી-જુવારના ઉપયોગથી બાળકોને જરૂરી પોષણ મળે છે, જેથી તેઓ એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરી શકે છે. શાળાઓમાં બાળકોની માત્ર હાજરી જ નહીં, પણ તેમની ગુણવત્તાયુક્ત જીવનશૈલી માટે આ અલ્પાહાર યોજના એક શ્રેષ્ઠ યોજના સાબિત થઈ છે.
ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય છે, જ્યાં બાલવાટિકાથી ધો.8 સુધીના તમામ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે