વરાછામાં પોલીસે દરોડો પાડી પ્રતિબંધિત ‘ગોગો પેપર’નો મોટો જથ્થો જપ્ત કર્યો
સુરત, 23 ડિસેમ્બર (હિ.સ.) : સુરતમાં નશાની સામગ્રીના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે વધુ એક કડક કાર્યવાહી કરી છે. સરકારી પ્રતિબંધ હોવા છતાં ગુપ્ત રીતે વેચાતા ‘ગોગો પેપર’ના કારોબારનો ભાંડો ફોડતા વરાછા પોલીસએ એક ડેરીમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસને
Raid


સુરત, 23 ડિસેમ્બર (હિ.સ.) : સુરતમાં નશાની સામગ્રીના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે વધુ એક કડક કાર્યવાહી કરી છે. સરકારી પ્રતિબંધ હોવા છતાં ગુપ્ત રીતે વેચાતા ‘ગોગો પેપર’ના કારોબારનો ભાંડો ફોડતા વરાછા પોલીસએ એક ડેરીમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વરાછા વિસ્તારની એક ડેરી પર તપાસ હાથ ધરવામાં આવી હતી. બહારથી દૂધ-દહીંનો વ્યવસાય દેખાતો હતો, પરંતુ અંદરખાને યુવાધનને નશાની આદતમાં ધકેલતી પ્રતિબંધિત સામગ્રીનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું. દરોડા દરમિયાન દુકાનમાંથી 50થી વધુ ‘ગોગો પેપર’ના પેકેટ મળ્યા હતા.

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, આ પેપરનો ઉપયોગ મુખ્યત્વે માદક પદાર્થો સેવન માટે થતો હોય છે, જેના કારણે રાજ્ય સરકારે તેના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં, વધુ નફાની લાલચમાં કેટલાક વેપારીઓ કાયદાની અવગણના કરી આવા ધંધા ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ જથ્થો જપ્ત કરી ડેરીના માલિકને સ્થળ પરથી અટકાયત કરી છે. આ પ્રતિબંધિત સામગ્રી ક્યાંથી લાવવામાં આવી હતી, તેમજ આ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં—તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ કાર્યવાહી બાદ વિસ્તારમાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા આવી જ તપાસ અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે, તેવું અધિકારીઓએ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande