
જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : બિહારના હીજાબ પ્રકરણના પડઘા જામનગરમાં પડયા છે, મહીલા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી નિતીશકુમારનો આક્રોશ સાથે વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો, આ બાબતે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજની મહીલાઓની મર્યાદા એના હીજાબને લીધે જળવાયેલી રહે છે.
સમાજની મર્યાદા એટલે મુસ્લિમ મહીલા તેના હીજાબ દ્વારા જાળવી રાખે છે અને જાહેરમાં કયાંય હીજાબ ઉતારતી નથી, ત્યારે બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારને એવી મર્યાદા ખુલ્લી પાડવાની શું જરૂર લાગી ? તે જાહેરમાં એક મહીલાનો હીજાબ ખેંચીને શું સાબીત કરવા માંગે છે ? આ આવેદન આપતી વેળાએ મહીલા શહેર કોંગ્રેસ પ્રમુખ રચનાબેન નંદાણીયા, રોશનબેન નાઇ, રંજનબેન ગજેરા સહિતની મહીલા આગેવાનો જોડાઇ હતી.
બીજી બાજુ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પણ આ પ્રકરણમાં શહેરમાં દેખાવો કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી નીતિશકુમારની કરતૂતનો વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે જાહેરમાં સૂત્રોચ્ચાર કરી દેખાવો કરતા કાર્યકરોની અટકાયત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt