
પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વાઘપુરા–નલિયા–કામલપુર રોડનું રીસરફેસિંગ કાર્ય ચાલુ છે. 8.65 કિલોમીટર લાંબા આ માર્ગ માટે રૂ. 5.64 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના વિકાસલક્ષી કામો અંતર્ગત માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, પાટણ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ માર્ગનું મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના ગામોમાં સુવિધાસભર અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા ઉભી કરવાનો છે. રીસરફેસિંગ પૂર્ણ થયા બાદ સરહદી તાલુકાના ગ્રામજનોને વાહનવ્યવહાર માટે વધુ સરળ અને સુગમ રસ્તાઓ મળશે, જેથી ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચવું ઝડપી બનશે.
ખાસ કરીને શાળાએ જતાં વિદ્યાર્થીઓ અને ખેડૂતોને લાભ મળશે, કારણ કે ખેત પેદાશો જિલ્લા મથક સુધી પહોંચાડવું સરળ બનશે. માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા કાર્યપાલક ઇજનેરની દેખરેખ હેઠળ તબક્કાવાર અને ગુણવત્તાયુક્ત રીતે કામ પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેના કારણે જાહેર સુખાકારીમાં વધારો થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ