
અમરેલી,23 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા માટે વિકલ્પ ભારદ્વાજની સહ-ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ સંકુલ, સર્કિટ હાઉસ તથા અમૃત સરોવર ખાતે સ્થળ પર જઈને વિસ્તૃત મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન શહેરી વિકાસને વધુ ગતિ આપવા, જળ સંગ્રહ ક્ષમતા વધારવા તેમજ પર્યાવરણ સંવર્ધનને મજબૂત બનાવવા માટે હાથ ધરાયેલા કામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
કલેક્ટરશ્રીએ સ્પોર્ટ્સ સંકુલમાં ચાલી રહેલા નિર્માણ અને આધુનિક સુવિધાઓ અંગે માહિતી મેળવી અને ખેલાડીઓને લાંબા ગાળે લાભ મળે તે દિશામાં કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપી. સર્કિટ હાઉસ ખાતેના રીનોવેશન તથા સુવિધા વિકાસના કાર્યોમાં ગુણવત્તા જાળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. અમૃત સરોવર પ્રોજેક્ટ અંતર્ગત જળ સંગ્રહ, પર્યાવરણ સંરક્ષણ અને સૌંદર્યીકરણ સંબંધિત કામગીરીનું અવલોકન કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
કલેક્ટરશ્રીએ દરેક કાર્યમાં ગુણવત્તા, ગતિ અને પારદર્શિતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની સ્પષ્ટ સૂચના આપી હતી. સાથે જ, શહેરીજનોને દીર્ઘકાલીન લાભ મળે તે હેતુથી તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે અધિકારીઓને દિશાનિર્દેશ આપવામાં આવ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai