
વલસાડ, 23 ડિસેમ્બર (હિ.સ.)-રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક વલસાડ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા પારડી તાલુકા કક્ષાની સામાજિક સમરસતા શિબિર પારડી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ સામાજીક સમરસતા શિબિર વિષે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી હરેન્દ્રકુમાર ચૌધરી તથા સમાજ કલ્યાણ નિરીક્ષક વિમલભાઈ પટેલ તરફથી યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ સૌને યોજનાકીય પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. લોકોમાં સામાજીક સમરસતા વધે અને અસ્પૃશ્યતા દૂર થાય તે માટે સરકારના પ્રવર્તમાન નિયમો અને કાયદા વિષે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ શિબિરમાં નગરપાલિકાના સભ્ય ઇલાબેન પરમાર, વાલ્મીકી એસોસિએશન મંત્રી પંકજભાઈ ઘરાણીયા, અનુસૂચિત જાતિ પેટા યોજનાના સભ્ય કૈલાશભાઈ રાઠોડ તથા જિલ્લા તકેદારી સમિતિના સભ્ય મુકેશભાઈ મહેવાળ તેમજ સમાજના આગેવાન ભગવાનભાઈ સોલંકી તેમજ ખુબ જ બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે