
મહેસાણા,23 ડિસેમ્બર (હિ.સ.) આજરોજ તાલુકા સેવા સદન, મહેસાણા ખાતે મહેસાણા તાલુકાના ‘તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનું નિવારણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નાગરિકો દ્વારા રજૂ કરાયેલા કુલ 12 પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ પ્રશ્નોમાં આવાસ, જમીન, માર્ગ-રસ્તા, પાણી પુરવઠા, વીજળી, આવકના દાખલા, તેમજ અન્ય જનસુવિધાઓ સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થતો હતો. દરેક ફરિયાદને ગંભીરતાથી લઈને સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને શક્ય ત્યાં સુધી તરત જ ઉકેલ લાવવામાં આવ્યો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને તંત્ર સુધી સરળ અને પારદર્શક રીતે પહોંચ મળે તથા તેમની સમસ્યાઓનો સમયસર નિકાલ થાય તે રહ્યો. ફરિયાદકર્તાઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય નિર્ણય લેવામાં આવતા નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.
‘તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ’ કાર્યક્રમથી પ્રશાસન અને જનતા વચ્ચે સંવાદ વધુ મજબૂત બને છે અને લોકહિતના પ્રશ્નો ઝડપી રીતે ઉકેલાય છે. આવનારા સમયમાં પણ આ પ્રકારના કાર્યક્રમો દ્વારા નાગરિકોની સમસ્યાઓનું સમયસર નિવારણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR