
પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.)સાંસદ ખેલ મહોત્સવ ખેલમહોત્સવ તા. 14/12/2025 ના રોજ ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારંભસરદાર પટેલ રમત સંકુલ, પોરબંદર ખાતે યોજાયેલ હતો. સાંસદ ફિનાલે અને સમાપન સમારોહ જિલ્લાકક્ષા રમત સંકુલ, સરદાર પટેલ સ્પોટ્ર્સ કોમ્પ્લેક્ષ, જુનાગઢ ખાતે તા.25/12/2025 ના રોજ મંત્રી યુવા બાબતો અને રમતગમત, ભારત સરકાર મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાશે.
11-પોરબંદર લોકસભાનો વિસ્તાર પોરબંદર, રાજકોટ અને જુનાગઢ સહિતનો હોય, પ્રથમ તબક્કો શુભારંભ પોરબંદર જિલ્લામાં મધ્ય તબક્કો તાલુકા અને વિધાનસભા કક્ષાઓ સ્પર્ધા દરમિયાન રાજકોટ જિલ્લામાં અને અંતિમ તબક્કો એટલે સાંસદ ફિનાલે જુનાગઢ જિલ્લામાં યોજવામાં આવી રહ્યો છે.
અંતિમ પડાવમાં યોજાનાર સાંસદ ફીનાલેમાં 7(સાત) વિધાનસભાઓના વિજેતા ખેલાડીઓ અને ટીમો વચ્ચે જુદી-જુદી 7(સાત) જેટલી પરંપરાગત રમતો સહીતની સ્પર્ધાઓ જુદી-જુદી 4(ચાર) વયજૂથમાં યોજાશે. જેમાં 1800 જેટલા ખેલાડીઓ ફાઈનલ સ્પર્ધાઓ રમશે. સ્પર્ધા દરમિયાન મંત્રી રૂબરૂ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. સન્માનિત કરશે અને સંવાદ કરશે. ઓલમ્પિક કક્ષાના ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ સાંસદ ફિનાલે દરમિયાન જુનાગઢ સ્થિત જિલ્લાકક્ષા રમત સંકુલ ખાતે ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લાઈવ પ્રસારણના માધ્યમથી સાંસદ ફિનાલેના ખેલાડીઓ સહીત દેશના યુવાઓને આ કાર્યક્રમ દરમિયાન સંબોધિત કરશે. અને ખેલાડીઓ સાથે સંવાદ કરશે.
આ સાંસદ ખેલ મહોત્સવથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ રમતગમત પ્રવૃતિઓને ખુબ વેગ મળશે અને કોમનવેલ્થ 2030 તથા ઓલમ્પિક 2036 માં પ્રતિભાગી થઈ અને વિજેતા બનવાની યુવા શક્તિઓને પ્રેરણા મળશે. જુનાગઢ જિલ્લા સહીત નગરજનોને આગામી તા.25/12/2025 ના રોજ આ રોમાંચક સ્પર્ધામાં ભાગ લેવા, નિહાળવા જિલ્લા વહીવટી તંત્ર અને કોર્પોરેશન જુનાગઢના માધ્યમથી માન. મંત્રી વતી અચૂક ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya