
અમરેલી,, 23 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી દ્વારા બાબરા તાલુકાના વાવડા ગામમાં પ્રાકૃતિક ખેતી વિષયક માર્ગદર્શનાત્મક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પ્રાકૃતિક ખેતી અપનાવવાના લાભો અંગે માહિતગાર બન્યા હતા.
તાલીમ દરમિયાન રાજેશભાઈ મકવાણા, T.P.M તરીકે હાજર રહી, પ્રાકૃતિક ખેતીના પાંચેય આયામો અંગે વિસ્તૃત અને સરળ ભાષામાં માહિતી આપી હતી. તેમણે જમીનના સ્વાસ્થ્યનું સંરક્ષણ, જીવામૃત-ઘનજીવામૃતનો ઉપયોગ, બીજ સંસ્કાર, કુદરતી જીવાત નિયંત્રણ તેમજ પાણીના યોગ્ય વ્યવસ્થાપન અંગે પ્રાયોગિક સમજણ આપી હતી.
રાજેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, જમીનની ઉર્વરાશક્તિ વધે છે અને ખેડૂતની આવકમાં લાંબા ગાળે વધારો શક્ય બને છે. સાથે જ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણની રક્ષા થાય છે.
આ તાલીમ કાર્યક્રમથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે ઉત્સાહ વધ્યો હતો અને ઘણા ખેડૂતોએ આવનારી સિઝનમાં આ પદ્ધતિ અપનાવવાની તૈયારી દર્શાવી હતી. કાર્યક્રમ અંતે ખેડૂતો દ્વારા પ્રશ્નોત્તરી કરીને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai