
મહેસાણા,, 23 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મોજે–દેદાસણ વિસ્તારમાં સાબરમતી નદીપટ્ટ ખાતેથી સાદી રેતીના બિન-અધિકૃત ખનન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી કચેરી, મહેસાણાની તપાસ ટીમે અચાનક તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે ચાલી રહેલું રેતી ખનન ઝડપી પાડ્યું હતું.
આ કાર્યવાહીમાં ખનનમાં ઉપયોગમાં લેવાતા 01 લોડર મશીન, 02 ટ્રેક્ટર અને 01 ટ્રક મળી કુલ આશરે રૂ. 53 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. તપાસ ટીમે સ્થળ પર જ કાર્યવાહી કરીને તમામ વાહનો અને સાધનો કબજામાં લીધા હતા.
તપાસ દરમિયાન નદીપટ્ટ વિસ્તારમાં થયેલા ખાણકામના વિસ્તરની વિગતવાર માપણી પણ કરવામાં આવી છે, જેથી ગેરકાયદેસર ખનનથી થયેલા નુકસાનનો અંદાજ મેળવી શકાય. તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ પૂર્ણ કરી આગળની દંડકીય તથા કાનૂની કાર્યવાહી પ્રક્રિયામાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડતા અને નદીપટ્ટની કુદરતી રચનાને હાનિ પહોંચાડતા ગેરકાયદેસર ખનન સામે કડક વલણ અપનાવવામાં આવશે. આવી કાર્યવાહીથી ખનિજ ચોરી અટકાવવા અને પર્યાવરણ સંરક્ષણને મજબૂત બનાવવા તંત્રની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR