
વલસાડ, 23 ડિસેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લામાં ઓનલાઈન ફૂડ ડિલિવરી સેવાઓની ગુણવત્તા અંગે ચિંતાજનક ઘટના સામે આવી છે. ઓનલાઈન મંગાવેલા સીતાફળમાંથી કીડા નીકળતા ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
વલસાડના અંકિત પટેલ નામના યુવકે Zepto પરથી સીતાફળનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી મળ્યા બાદ ફળ કાપતાં જ તેમાં કીડા જોવા મળ્યા હતા. ગ્રાહકના જણાવ્યા મુજબ એક દિવસ પહેલા પણ આવી જ ઘટના બની હતી, પરંતુ તેને અવગણવામાં આવી હતી. સતત બીજા દિવસે ફરી આવું થતાં તેમણે વીડિયો બનાવી જાહેર કર્યો.
આ ઘટનાને લઈને ઓનલાઈન મંગાવવામાં આવતી ફળ અને શાકભાજીની સ્વચ્છતા તથા ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. ગ્રાહકે આ મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ અંગે ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, શક્ય હોય ત્યાં સુધી ફળ અને શાકભાજી સ્થાનિક દુકાનેથી ખરીદવા જોઈએ. જો ઓનલાઈન મંગાવેલી ખાદ્ય વસ્તુમાં ખામી જણાય તો FSSAIની FOSCOS વેબસાઇટ પર ફરિયાદ નોંધાવી શકાય છે. ફરિયાદના આધારે વિભાગ દ્વારા તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે