
પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના ખોલવાડાના માધુપુરા ગામે એક યુવતી ભાઈના લગ્ન માટે રાખેલા રૂ. 1.17 લાખના દાગીના અને રૂ. 7,000 રોકડ મળી કુલ રૂ. 1,24,780ની મત્તા લઈને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે.
ફરિયાદ મુજબ 14 નવેમ્બર, 2025ના રોજ યુવતી બ્યુટી પાર્લરમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી. સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ કરી અને પિતાએ સિદ્ધપુર પોલીસ મથકે દીકરી ગુમ થયાની જાણ કરી હતી.
બે દિવસ બાદ પરિવારને ખબર પડી કે દીકરી લગ્ન કરવાના ઇરાદે કોઈને જાણ કર્યા વિના ગઈ છે. ભાઈના જાન્યુઆરી 2026માં નક્કી થયેલા લગ્ન માટે તૈયાર કરાયેલા દોઢ તોલા સોનાના દાગીના અને રોકડ તિજોરીમાંથી ગાયબ મળ્યા હતા.
પરિવારની તપાસમાં યુવતી ઉનાવા (તા. ઊંઝા)ના રહેવાસી પ્રેમી સાથે ભાગી હોવાનું સામે આવ્યું. પિતાએ પ્રેમીના કહેવાથી ચોરી કર્યાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવતા સિદ્ધપુર પોલીસે યુવતી અને તેના પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ