
જૂનાગઢ, 23 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે જૂનાગઢના સરદાર પટેલ રમત સંકુલ ખાતે પોરબંદર લોકસભા વિસ્તારનો સાંસદ ખેલ મહોત્સવ - ૨૦૨૫ નો ભવ્ય ફિનાલે તા.૨૫- ૧૨- ૨૦૨૫ના રોજ યોજાશે, જેમાં રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેશે.
આ સંદર્ભે જરૂરી જાણકારી આપતા ઇન્ચાર્જ કલેક્ટર અને કમિશનર તેજસ પરમારે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં રમતવીરોને પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાષ્ટ્રવ્યાપી વર્ચ્યુઅલી સંબોધન કરશે. ૧૧- પોરબંદર લોકસભા વિસ્તાર હેઠળના તાલુકામાં જુદી જુદી સ્પર્ધાઓ યોજાયો બાદ અંતિમ તબક્કો જૂનાગઢ ખાતે યોજવામાં આવશે. આ સાંસદ ફીનાલેમાં સાત વિધાનસભાના ખેલાડીઓ અને ટીમો વચ્ચે જુદી જુદી ૭ જેટલી પરંપરાગત રમતો સહિતની સ્પર્ધાઓ જુદી જુદી ચાર જુથમાં યોજાશે. જેમાં ૧૮૦૦ જેટલા ખેલાડીઓ ફાઈનલ સ્પર્ધાઓમાં ભાગ લેશે.
આ સાંસદ ખેલ મહોત્સવથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ રમતગમત પ્રવૃત્તિઓને ખૂબ વેગ અને પ્રેરણા મળશે. ઉપરાંત રાજ્યમાં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ૨૦૩૦ યોજાશે તથા ઓલમ્પિક ૨૦૩૬ માટે દાવેદારી કરી રહ્યા છીએ, ત્યારે યુવા શક્તિને રમત ગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા મળશે. તેમણે જૂનાગઢ શહેર અને જિલ્લાના નાગરિકોને પણ આ ભવ્ય ફિનાલેને નિહાળવા આવવા માટે અનુરોધ કર્યો હતો.
આ ફિનાલેનો સવારે ૭ કલાકે પ્રતિભાગીઓના આગમન સાથે શરૂ થશે અને ૭.૩૦ કલાકે સ્પર્ધાનો પ્રારંભ થશે. આ સાથે મેડલ સેરેમની ઉપરાંત ૧૦ કલાકે ઇનામ વિતરણનો સ્ટેજ કાર્યક્રમ યોજાશે. ૧૧-પોરબંદર લોકસભા વિસ્તારનો સાંસદ ખેલ મહોત્સવ - ૨૦૨૫નો પોરબંદરના સરદાર પટેલ રમત સંકુલ ખાતે તા.૧૪- ૧૨- ૨૦૨૫ના રોજ ભવ્ય પ્રારંભ થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ