


પોરબંદર,23 ડિસેમ્બર (હિ.સ.) : વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પોરબંદર ખાતે ફૂડ, એગ્રીકલ્ચર, એગ્રી-પ્રોસેસિંગ, અને સંબંધિત ક્ષેત્ર પર આધારિત ‘Classroom to Startup’ વિષયક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાઓને સ્ટાર્ટઅપ તરફ પ્રોત્સાહિત કરવાનો હતો.
આ સત્રનું આયોજન સવલી ટેક્નોલોજી અને બિઝનેસ ઈન્ક્યુબેટર (STBI), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજ વિદ્યાર્થીઓ, સંશોધકો અને યુવા ઉદ્યોગસાહસિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં STBIના ઉમંગ ગોંડલિયા, મેનેજર, STBI તરફથી સ્વાગત સંબોધન આપવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ક્લાસરૂમ, લેબોરેટરી અને ફીલ્ડમાં ઉદ્ભવતી સમસ્યાઓને વ્યવસાયિક અવસરમાં ફેરવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પેનલ ચર્ચા દરમિયાન ફૂડ અને એગ્રીકલ્ચર ક્ષેત્રમાં કાર્યરત કુ. ફોરમ કુંડલિયા, માધવ કોટેચા, રુચિતા જેઠવા, અને જયદેવ શુક્લ દ્વારા તેમના સ્ટાર્ટઅપ યાત્રા, શરૂઆતના પડકારો, લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને સફળતા સુધીના અનુભવ શેર કરવામાં આવ્યા હતા. સાથે જ સુરત ખાતેના Syncoro Ventures સંસ્થાના ડૉ. નિકિતા વડસરીયા દ્વારા રિસર્ચને માર્કેટ સુધી પહોંચાડવાની પ્રક્રિયા અને કમર્શિયલાઇઝેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અવસરે ડૉ. આનંદ ભાડળકર, નિયામક, STBI દ્વારા રાજ્ય સરકારની સ્ટાર્ટઅપ નીતિઓ, ઇન્ક્યુબેશન સપોર્ટ, મેન્ટરશિપ અને સરકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી તથા વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી વિવિધ સહાયનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સેશન દ્વારા વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ વિષે જાગૃતિ ફેલાઈ અને Classroom થી Startup તરફ આગળ વધવા માટે પ્રેરણા આપેલ. કાર્યક્રમના અંતે તમામ પેનલિસ્ટ્સ અને ભાગ લેનાર વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ સેશન અંતર્ગત સુરેશભાઈ રાયઠઠા અને જતીન ભાઈ અને યુવા ઉદ્યોગ સાહસિકો સાથે B2B ચર્ચા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya