
નવસારી, 24 ડિસેમ્બર (હિ.સ.)-નવસારી જિલ્લાના મહુવર ગામમાં આવેલી લગભગ 50 વર્ષ જૂની પાણીની ટાંકી હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે, જેના કારણે ગામલોકોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. લાંબા સમયથી ઉપયોગમાં રહેલી આ પાણીની ટાંકીમાં તિરાડો પડી ગઈ છે તેમજ કોંક્રીટ અને લોખંડના ભાગો પણ કમજોર બન્યા હોવાનું નજરે પડે છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે ટાંકીની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે અને કોઈ અચાનક દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. ખાસ કરીને ટાંકીની નીચે રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિક લોકો સતત ભય હેઠળ જીવી રહ્યા છે.
આ મામલો સામે આવતા ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર દ્વારા ટાંકીની સુરક્ષા ચકાસવા માટે સ્ટ્રક્ચરલ રિપોર્ટ તૈયાર કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ ટાંકીની મરામત કે નવી ટાંકી બનાવવાની દિશામાં નિર્ણય લેવાશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ ગ્રામજનો તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે