

પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.)પૂજ્ય સિંધી ઉત્તર પંચાયત પાટણ દ્વારા પારેવીયાવીર દાદા મંદિરના સાનિધ્યમાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજનું સ્નેહમિલન, ઇનામ વિતરણ અને પિકનિકનો સમાવેશ થયો. કાર્યક્રમમાં ક્રિકેટ સહિત વિવિધ રમત-ગમતની સ્પર્ધાઓ યોજાઈ, જેમાં બાળકો થી લઈને વડીલો સુધી સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પરિવારોએ સાથે મળી ભોજન પ્રસાદનો આનંદ માણ્યો.
આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ, સર્ટિફિકેટ અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. પ્રથમ, દ્વિતીય અને તૃતિય ઇનામ અનુક્રમે ખેમચંદભાઈ આસનદાસ પોહાણી, નારાયણદાસ કુંદનમલ પોહાણી અને કૃષ્ણકાંત દેવીદાસ લાજવાણી દ્વારા આપવામાં આવ્યા. ઉચ્ચ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સિંધી ઉત્તર પંચાયત યુવા મહિલા મંડળે ઇનામો આપ્યા, તેમજ આશ્વાસન અને રમત-ગમત ઇનામો માટે દાતાઓનો સહયોગ મળ્યો.
શિક્ષણ મેળવી રહેલી સમાજની મહિલાઓને પણ પ્રોત્સાહિત કરીને સન્માનિત કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ અને સંચાલન રેખાબેન પોહાણી અને કિશોરભાઈ ઠક્કરે કર્યું, જ્યારે યુવક મંડળના પ્રમુખ ભરતભાઈ છુગાણી અને તેમની ટીમે સક્રિય ભૂમિકા ભજવી. પંચાયતના કારોબારી સભ્યોની હાજરીથી કાર્યક્રમ સફળ રહ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ