
જામનગર, 24 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં બહુચર્ચિત દુષ્કર્મ કેસ મામલે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પીડિતાને ધમકાવવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મ અંગે નોંધાવેલી ફરિયાદનો ખાર રાખીને મુખ્ય આરોપીના ભાઈ દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો પીડિતા દ્વારા આરોપ કરાતા ખળભળાટ મચી ગયો છે. જે મામલે આરોપીના ભાઈ સામે પોલીસમાં અરજી કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદી સામે નોંધાયેલા દુષ્કર્મ કેસ મામલે પીડિતાને ધમકાવવાનો પ્રયાસ કરાયો હોવાના આરોપ સાથે પીડિતાએ આરોપીના ભાઈ અમર મહેન્દ્ર મોદી સામે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી નોંધાવી છે. જેમાં જાહેર કરાયા અનુસાર આ ઘટના 22 ડિસેમ્બર, ના રોજ રાત્રે આશરે 8.30 વાગ્યે બની હતી.
પીડિતા પોતાના પુત્ર સાથે બહાર નાસ્તો કરવા ગઈ હતી. તે સમયે આરોપી વિશાલ મોદીનો ભાઈ અમર મહેન્દ્ર મોદી પોતાની કાર લઈને ત્યાં ધસી આવ્યો હતો. અમર મોદીએ પીડિતાની નજીક આવીને હાથથી ખરાબ ઈશારા કરીને તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તે પોતાની ગાડી લઈને ત્યાંથી નાસી ગયો હતો.
આ ઘટનાથી ગભરાયેલી પીડિતા તાત્કાલિક સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી હતી. તેણે સિટી-બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ સમગ્ર ઘટનાની લેખિત રજૂઆત કરી હતી. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે અમર મોદીના ભાઈ વિશાલ મોદી સામે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ ચાલી રહી છે. આ ફરિયાદનો ખાર રાખીને અમર મોદીએ તેને ધમકાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt