
સુરત, 24 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજ બહાર વિદ્યાર્થીઓ પર અસામાજિક તત્વોએ દાદાગીરી કરતા ચકચાર મચી ગઈ હતી. કોલેજ બહાર શાંતિથી ઊભેલા વિદ્યાર્થીઓ પાસે બાઈક પર આવેલા બે યુવકોમાંથી એકના હાથમાં પોલીસ જેવો દેખાતો ડંડો હતો. કોઈ કારણ વગર યુવકે બે વિદ્યાર્થીઓને તમાચા માર્યા હતા તેમજ એક વિદ્યાર્થીની બોચી પકડીને જમીન પર ફેંકી દીધો હતો.
આ સમગ્ર ઘટના કોલેજ બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી અને ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વીડિયો સામે આવતા જ અમરોલી પોલીસે ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ સ્ટેશન પહોંચતા જ કોલેજ બહાર ‘હીરો’ બનતો ફરતો યુવક શાંત પડી ગયો હતો અને તેણે બંને કાન પકડી જાહેરમાં માફી માંગી હતી તેમજ ભવિષ્યમાં આવી હરકત નહીં કરવાની ખાતરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે