
સુરત, 24 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના ઉધના વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જમીન સંબંધિત દસ્તાવેજોમાં જરૂરી સુધારા કરવા બદલ લાંચ માંગનાર સર્કલ ઓફિસરને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.
ફરિયાદી દ્વારા ACBમાં કરાયેલ ફરિયાદ મુજબ, જમીનના દસ્તાવેજોમાં ફેરફાર અને કાર્યવાહી પૂર્ણ કરવા બદલ અધિકારીએ રૂ.10,000ની લાંચ માગી હતી. ફરિયાદની ચકાસણી બાદ ACBની ટીમે પૂર્વયોજિત ટ્રેપ ગોઠવ્યો હતો, જેમાં સર્કલ ઓફિસર લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા.
ઘટનાના પગલે ACB દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. સરકારી કચેરીઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે