
પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી આવેલા અરજદારોએ પોતાની વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો રજૂ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન લર્નિંગ લાઇસન્સ એપ્રુવલ, પી.એમ. વિશ્વકર્મા યોજના હેઠળ ટૂલકિટ ન મળવી, સ્પીડ બ્રેકર, નવી બસ રૂટ, બિનઅધિકૃત દબાણો દૂર કરવા, આર.સી.સી. રોડ, ફાર્મર રજિસ્ટ્રી, જ્યોતિગ્રામ વીજ જોડાણ, પીવાના પાણીની સમસ્યા તેમજ સહકારી મંડળીમાં ભ્રષ્ટાચારની તપાસ જેવા મુદ્દાઓ અંગે રજૂઆતો થઈ હતી.
કલેક્ટર તુષાર ભટ્ટે સંબંધિત અધિકારીઓને તમામ અરજીઓનો તાત્કાલિક અને અસરકારક નિકાલ લાવવા સૂચના આપી હતી. અરજદારોના પ્રશ્નોનું સંવેદનશીલતા અને ગંભીરતાથી નિરાકરણ લાવવા તેમણે ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ