
અમરેલી, 24 ડિસેમ્બર (હિ.સ.)*લાઠી–બાબરા વિસ્તારના કેન્સરગ્રસ્ત દર્દીઓને જીવનરક્ષક સહાયરૂપે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય મંજૂર કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ધારાસભ્ય જનક તળાવીયા*
લાઠી–બાબરા વિધાનસભા મતવિસ્તારના ગંભીર બીમારીથી પીડિત કેન્સરના દર્દીઓને સારવાર માટે આર્થિક સંકટ નડે નહીં તે માટે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની સક્રિય અને સંવેદનશીલ રજૂઆતના પરિણામે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જરૂરી આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે.
બાબરા તાલુકાના નિલવડા ગામના વતની શ્રીમતી કંકુબેન રૈયાભાઇ ગમારા તથા બાબરા તાલુકાના કોટડાપીઠા ગામના વતની શ્રીમતી નિર્મળાબેન સુરેશભાઇ ચોવટીયા અને બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામના વતની શ્રી મજસુખભાઇ વાલજીભાઇ કાનાણી જેઓ ને કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે ઘારાસભ્ય જનક તળાવીયા એ મુખ્યમંત્રી રાહત ફંડ માથી રાહત અપાવી એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ.
કેન્સર જેવી જીવલેણ બીમારીના ઉપચાર માટે લાખો રૂપિયાનો ખર્ચ આવતો હોવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે સારવાર કરાવવી મુશ્કેલ બની રહે છે. આવી સ્થિતિમાં ધારાસભ્ય જનક તળાવીયાએ દર્દીઓ તથા તેમના પરિવારજનોની રજૂઆતોને ગંભીરતાથી લઈ સરકાર સમક્ષ મજબૂત રીતે કેસ રજૂ કર્યો હતો, જેના પરિણામે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજૂર થઈ છે.
આ સહાયથી દર્દીઓની સારવારમાં મદદ મળશે તેમજ તેમના પરિવારજનોને આર્થિક રીતે મોટો આધાર મળશે. સ્થાનિક લોકોએ ધારાસભ્ય જનક તળાવીયાની આ માનવતાભરી કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે તેઓ હંમેશા વિસ્તારના ગરીબ, જરૂરિયાતમંદ અને પીડિત લોકો માટે સંવેદનશીલતાથી કાર્ય કરે છે.
ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, “લાઠી–બાબરા મતવિસ્તારનો કોઈ પણ નાગરિક ગંભીર બીમારીના કારણે સારવારથી વંચિત ન રહે તે માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. સરકારની વિવિધ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવું મારી ફરજ છે.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai