
જુનાગઢ 24 ડિસેમ્બર (હિ.સ.) કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા આજ રોજ ‘‘વિવિધ કૃષિ સંશોધનોની પહેલો દ્વારા ટકાઉ ખેતી, ગ્રામીણ વિકાસ અને પ્રાદેશિક સહયોગને વેગ આપવાના વિષય પર રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી નિમિત્તે એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ સેમિનારમાં પાક ઉત્પાદન, પાક સંરક્ષણ બાગાયત, બાયોટેકનોલોજી તેમજ સામાજિક વિજ્ઞાન જેવા વિષયક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા. સેમિનારમાં ગુજરાત સહિતના જુદા જુદા રાજયોમાંથી આ વિષયોને લગતા વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગ પ્રતિનિધિઓ, પ્રગતિશીલ ખેડૂતો સહિત ૩૫૦ થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધેલ અને સંશોધન પેપર તેમજ પોષ્ટર પ્રેઝન્ટ કર્યુ હતુ.
આ સેમિનારનો ઉદ્દઘાટન સમારોહ કુલપતિ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડૉ.વી.પી. ચોવટિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેઓએ સરદાર વલ્લભભાઇ પટેલના શબ્દોને યાદ કરાવતા જણાવ્યુ કે, કૃષિ એ આપણી સંસ્કૃતિ છે જે દેશના વિકાસ માટેનું અવિભાજ્ય અંગ છે. ઘણી સમસ્યાઓ હોવા છતાં કૃષિ, ડેરી, મૂલ્યવર્ધન, ટેક્સટાઈલ અને રીન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ગુજરાતનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. તેઓએ વધુમાં જણાવેલ કે, વિકાસની સાથે સાથે સામાજીક મુલ્યો પણ અગત્યના છે તેમજ આ પરિસંવાદ દ્વારા સંશોધનો પ્રસિધ્ધ થયા બાદ ખેડૂતો અને દેશના વિકાસમાં ઉપયોગી નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ડૉ. એ. આર.પાઠક, પૂર્વ કુલપતિ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા નવસારી કૃષિ યુનિવર્સિટી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા. તેમણે અને જણાવેલ કે, આ સેમિનાર યુવા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓના જ્ઞાનને ઉપયોગમાં લેવા માધ્યમ પૂરું પાડશે. તેઓએ વધુમાં જણાવેલ કે, ટકાઉ ખેતી માટે જમીન અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ તેમજ GPS અને ડ્રોન જેવી નવી ટેકનોલોજીને વધુ ચકાસીને તેનો ઉપયોગ ખેડૂતો કરતા થાય તેવા પ્રયત્નો કરવા જરૂરી છે. આ ઉપરાંત કલાઇમેટને અનુકૂળ પાકોની સુધારેલી જાતો, બાયોપેસ્ટીસાઇડ અને બાયો ફર્ટીલાઇઝરનો ઉપયોગ પણ એટલો જ જરૂરી છે. ગ્રામીણ વિકાસ માટે ગામોને આત્મનિર્ભર બનાવવા તેમજ જુદા જુદા વિભાગોના સંકલન જરૂરી છે.
ડૉ. એ. કે.ગુપ્તા, પૂર્વ સંશોધન નિયામક, એસ.કે.એન.એ.યુ., જોબનેર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી જણાવ્યુ હતુ કે , કૃષિ એ સૌથી ઉત્તમ વ્યવસાય છે અને કૃષિ, બાગાયત અને દુધ ઉત્પાદન ક્ષેત્રે ખેડૂતોનુ યોગદાન અમુલ્ય હોય છે.
ડૉ.એ.જી.પાનસુરિયા, સંશોધન નિયામક,જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ એ જણાવેલ કે, રાષ્ટ્રીય કિસાન દિવસના અનુસંધાને આ દિવસે યોજાયેલ આ રાષ્ટ્રીય સેમીનાર આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કર્યા છે.
આ કાર્યક્રમમાં ડૉ. એન. બી. જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામક, ડૉ. વાય. એચ. ઘેલાણી, કુલસચિવશ્રી, શ્રી ગૌરવ દવે, સંયુકત ખેતી નિયામક, ગુજરાત સરકાર અને ડૉ. પી.ડી. કુમાવત, આચાર્ય અને ડીન, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તથા આ સેમીનારમાં સહયોગ આપનાર જુદી જુદી કંપની, સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
ઉપરોકત ઉદ્દઘાટન કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સેમિનારના ઓર્ગનાઈઝિંગ સેક્રેટરી ડૉ. એન. જે. આરદેશણા તેમજ આભાર દર્શન જોઇન્ટ ઓર્ગનાઈઝિંગ સેક્રેટરી ડૉ. બી. સ્વામિનાથન દ્વારા કરવામાં આવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ