ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જૂનાગઢ જિલ્લામાં હકક–દાવા અને વાંધા અરજી સમયગાળા દરમ્યાન મતદારોને નામ ઉમેરવા કેમ્પ,
જરૂરી પુરાવા જમા કરાવવા માટે ખાસ કેમ્પ યોજાશે
ખાસ સઘન સુધારણા કાર્યક્રમ


જુનાગઢ, 24 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ, ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)–૨૦૨૫ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં હકક–દાવા અને વાંધા અરજી સમયગાળા દરમ્યાન મતદારોને નામ ઉમેરવા, જરૂરી પુરાવા જમા કરાવવા માટે જિલ્લાના તમામ મતદાન મથકો પર તા.૨૭,૨૮ અને તા.૩ અને ૪ જાન્યુઆરી ના રોજ ખાસ કેમ્પ યોજાશે.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા.૨૭/૧૦/૨૦૨૫ ના જાહેરનામાથી SIR–2025 જાહેર કરવામાં આવ્યો હતો. તેના અનુસંધાને તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ ડ્રાફટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં કુલ ૧૧,૪૯,૩૯૫ મતદારો નો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે મૃત્યુ, ગેરહાજરી, કાયમી સ્થળાંતર, ડુપ્લીકેટ વગેરે કારણોસર ૧,૫૦,૯૪૯ મતદારોના નામ ડ્રાફટ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

ડ્રાફટ મતદારયાદીમાં નોંધાયેલા મતદારો પૈકી ૭૦,૪૮૩ મતદારોનું વર્ષ– ૨૦૦૨ ની મતદારયાદી સાથે મેપીંગ થયેલ નથી તેવા મતદારોને નોટીસ તબક્કા દરમિયાન નોટીસ આપવામાં આવશે. નોટીસ મળ્યે જરૂરી પુરાવા રજુ કરનાર મતદારોના નામ તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ થનારી મતદારયાદીમાં ચાલુ રહેશે, અન્યથા નામ કમી થઈ શકે છે.

ચૂંટણી પંચની સૂચનાનુસાર, નોટીસ મળેલ તથા કોઇ લાયક મતદાર રહી ન જાય તે હેતુસર તા.૨૭/૧૨/૨૦૨૫ અને તા.૨૮/૧૨/૨૦૨૫ તેમજ તા.૦૩/૦૧/૨૦૨૬ અને ૪/૦૧/૨૦૨૬ ના રોજ તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પ યોજાશે. કેમ્પ દરમિયાન બીએલઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તથા જરૂરી પુરાવા સ્થળ પર જ સ્વીકારવામાં આવશે.કેટલાક કિસ્સામાં મેપિંગ થયેલ મતદારોના નામ અને ઉમરમાં પણ વિસંગતતા જોવા મળી છે BLO એ જાણ કર્યે તેવા લોકો પણ પુરાવા જમા કરાવી શકે છે.

તા.૧૯/૧૨/૨૦૨૫ના ડ્રાફટ મતદારયાદીમાં નામ કમી થયેલ મતદારો તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ દરમ્યાન ફોર્મ નં.૬ તથા ઘોષણાપત્ર રજુ કરીને નામ નોંધાવી શકશે.

આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી તેમજ તમામ મામલતદાર અને પ્રાંત કચેરી કચેરી ખાતે મતદારોને નોટિસ ના તબક્કામાં માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ હેલ્પડેસ્ક ચાલુ કરવામાં આવી છે જ્યાંથી મતદારો ફોર્મ ૬,૭,૮ મેળવી શકશે અને જમા કરાવી શકશે , પોતાના દસ્તાવેજ જમા કરાવી શકશે તથા મતદારયાદી સંબંધિત અન્ય માહિતી મેળવી શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande