
પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ માંસ-મટનના વેપારીઓને 31 ડિસેમ્બર સુધી દુકાનો અને ગેરકાયદેસર કતલખાના સીલ કરવાની નોટિસ આપતાં વિવાદ ઊભો થયો છે. આ નિર્ણયના વિરોધમાં કુરેશી જમાતના અગ્રણીઓ અને સ્થાનિક વેપારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મધ્યસ્થી કરવાની માંગ કરી છે.
વેપારીઓના જણાવ્યા મુજબ 22/12/2025ના રોજ આપવામાં આવેલી નોટિસમાં સ્લોટર હાઉસ બનાવવા માટે માત્ર એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જે વ્યવહારિક રીતે અપૂરતો છે. નિયમ મુજબ સ્લોટર હાઉસ બનાવવાની પ્રાથમિક જવાબદારી નગરપાલિકાની હોય છે. ઉપરાંત, સ્વખર્ચે સ્લોટર હાઉસ બનાવવા તૈયાર હોવા છતાં જરૂરી જગ્યા અથવા NOC તંત્ર દ્વારા આપવામાં આવતી નથી. વર્ષ 2023ના હાઈકોર્ટના ચુકાદા મુજબ રિટેલ વેપારીઓને લાયસન્સ આપવાના હોવા છતાં પ્રક્રિયા અટકી છે.
વેપારીઓએ જણાવ્યું કે તેઓ કાયદો હાથમાં લેવા માંગતા નથી, પરંતુ જો 31 ડિસેમ્બરે દુકાનો સીલ થશે તો કાયદાકીય લડત લડશે. હાલમાં તેમણે કલેક્ટરને વિનંતી કરી છે કે ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી લાયસન્સ પ્રક્રિયા માટે વધુ સમય અપાવવામાં આવે, જેથી નાના વેપારીઓની રોજીરોટી બચી રહે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ