


પોરબંદર, 24 ડિસેમ્બર (હિ.સ.) : જિલ્લા કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તથા ઇન્ચાર્જ કલેક્ટર હસમુખ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન ઇન્ચાર્જ કલેક્ટર હસમુખ પ્રજાપતિએ રોડ-રસ્તાની બાકી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવા તેમજ ઈ-સરકાર હેઠળની કામગીરીમાં વધુ ગતિ લાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત શાળાઓમાં “વીર બાલ દિવસ” ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવા માટે સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં જમીન માપણી, વિવિધ વિભાગો વચ્ચેના આંતરિક સંકલનના પ્રશ્નો, એ.જી. ઓડિટના વાંધાઓના નિકાલ, સરકારી લેણાંની વસૂલાત, તુમાર સેન્સસની વિગતો, કર્મચારીઓના પેન્શન કેસો તેમજ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આવેલી અરજીઓના સમયસર નિકાલ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે સોશિયલ મીડિયાની કામગીરી અંગે પણ ચર્ચા કરીને માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર કેતનભાઈ કોટિયાએ યોગના લાભો તથા યોગ અંગેની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તથા ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર રેખાબા સરવૈયા, જિલ્લા પુરવઠા અધિકારી એન.બી. રાજપૂત, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya