


પોરબંદર, 24 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ નિયામક, રોજગાર અને તાલીમ, ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા આજે બિરલા હોલ ખાતે એક ભવ્ય 'મેગા જોબફેર'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક અને આસપાસના વિસ્તારના શિક્ષિત રોજગાર વાંછુક ઉમેદવારોને એક જ સ્થળે રોજગારીની બહોળી તકો પૂરી પાડવાનો અને રોજગારદાતાઓ તથા ઉમેદવારો વચ્ચે સેતુ સમાન બનવાનો રહ્યો હતો.
આ ભરતી મેળામાં 15 થી વધુ નામી કંપનીઓ અને રોજગારદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે પૈકી કેટલીક કંપનીઓ પોરબંદર બહારની પણ હતી. આ જોબફેરમાં 300 થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ આયોજન અંગે વાત કરતા પોરબંદર જિલ્લા રોજગાર અધિકારી ડી.એ. પરમારે જણાવ્યું હતું કે, આ મેળા માટે 2,300 થી વધુ યુવાનોને કોલ લેટર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોને પ્રોત્સાહન પૂરું પાડવા અને તેઓ આર્થિક બોજ વિના મેળામાં ઉપસ્થિત રહી શકે તે હેતુથી સરકાર દ્વારા 'ફ્રી બસ પાસ'ની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી, જેનો 910 જેટલા ગ્રામીણ યુવાનોએ લાભ લીધો હતો.
ભરતી મેળામાં ધોરણ 10 પાસથી લઈને ઉચ્ચ અભ્યાસક્રમ, કોમ્પ્યુટર અને એકાઉન્ટન્ટના જાણકાર ઉમેદવારો માટે રૂ. 8,000 થી 25,000 સુધીના માસિક પગારની વિવિધ રોજગારીની તકો ઉપલબ્ધ હતી.
આ મેગા જોબફેરમાં સહભાગી થયેલા ઉમેદવાર વંદનાબેન રાયઠઠ્ઠાએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક જ સ્થળે અનેક કંપનીઓનો સંપર્ક થવાથી ઉમેદવારોનો સમય અને શક્તિ બચે છે. આ સાથે તેમણે આ પ્રકારના આયોજન બદલ જિલ્લા રોજગાર કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા રોજગાર કચેરીએ પોરબંદરના યુવાનોને અપીલ કરી છે કે તેઓ રોજગારી સંબંધિત કોઈપણ માર્ગદર્શન કે કારકિર્દીના વિકાસ માટે કચેરીનો સંપર્ક કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya