




પોરબંદર, 24 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સુદામા) અને જી.સી.એમ.એમ.એફ. લિમિટેડ (અમૂલ) ના સંયુક્ત ઉપક્રમે મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી. જેમાં સુદામા ડેરીના સંસ્થાપક અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરિયા, દૂધ સંઘના પ્રમુખ ડો. આકાશ રાજશાખા, ઉપપ્રમુખ જ્યોતિબેન દિલીપભાઇ ઓડેદરા અને નિયામક મંડળના તમામ સભ્યો,સંઘના એમ.ડી. શ્રીકાંતભાઈ ભટ્ટ, સભ્ય મંડળીના પ્રમુખ મંત્રીઓ અને મોટી સંખ્યામાં સભાસદ ભાઈ-બહેનો અને સુદામા ડેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દૂધ સંઘના ચેરમેન ડો. આકાશ રાજશાખા દ્વારા પોતાના ઉદબોધનમાં પ્રથમ સહકાર વિષે જ સમજાવ્યું કે ‘સહકાર નો ખરેખર મતલબ શું? સહકાર એટલે હું ચેરમેન આકાશ રાજશાખા નહી પરંતુ આપ બધાની જેમ પશુપાલક અને ખેડૂત આકાશ રાજશાખા જ છું. જેટલી સુદામા મારી છે તેટલી જ સુદામા સૌ પશુ પાલક ભાઈ-બહેનની છે. સુદામા કોઈ પ્રાઇવેટ કંપની કે પ્રાઇવેટ સંસ્થા નથી કે કોઈ લિમિટેડ કંપની નથી કે અમુક શેર હોલ્ડર જ તેમના માલિક હોય પરંતુ આ એક સહકારી સંસ્થા છે. બધા જ પશુપાલક ભાઈ બહેનોની આ સંસ્થા છે. સુદામા માટે તેઓ માત્ર પશુપાલક નથી, તે જ તેના ખરા માલિક છે, તેઓ જ સંસ્થાની શક્તિ છે અને તેઓ તેના નિર્ણાયક છે. આ જ સુદામાનો મૂળ આધાર છે.’
*દરરોજ ત્રણ લાખ લીટરથી વધુ દૂધનું સંપાદન*
સુદામા દૂધ ઉત્પાદક કરતી સહકારી સંસ્થા જે આજે રોજે રોજ 3 લાખ લિટરથી વધુ દૂધનું સંપાદન કરે છે, તેમાંથી આશરે 2 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ અને પેકિંગકરવામાં આવે છે. તેમાંથી દૈનિક 1.5 લાખ લિટર દૂધ, 50 હજાર લિટર છાશ અને 10 ટન દહીં જેટલું પેકિંગ કરવામાં છે દૂધ ઉત્પાદનો ઉપરાંત, સુદામા મીઠાઈ અને નમકીનનું પણ પેકિંગ કરે છે. તહેવારની સીઝનમાં મીઠાઈનું પેકિંગ 70 ટન પ્રતિ માસ સુધી પહોંચે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya