
પોરબંદર, 24 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્યના ધરતીપુત્રોના સર્વાંગી ઉત્કર્ષ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે, જેમાં ખેડૂતોના હિતને સર્વોપરી ગણીને અમલી બનાવવામાં આવેલી ‘કિસાન સૂર્યોદય યોજના’ આજે કૃષિ ક્ષેત્રમાં વિકાસનો નવો સૂર્યોદય સાબિત થઈ રહી છે.
ખેડૂતોને સિંચાઈ માટે રાત્રિના અંધકારમાં જે હાડમારીઓ વેઠવી પડતી હતી, તેના સ્થાને હવે દિવસ દરમિયાન નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવીને રાજ્ય સરકારે ખેડૂતોના જીવનમાં સુરક્ષા અને સમૃદ્ધિનો ઉજાસ પાથર્યો છે.
આ યોજનાના સફળ અમલીકરણ અંગે માહિતી આપતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, પોરબંદર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર સી.સી. ડામોરે જણાવ્યું હતું કે, વર્ષ 2020 થી કાર્યરત આ યોજનાના પરિણામે ખેતી કામગીરી અત્યંત સરળ અને આધુનિક બની છે. પોરબંદર વર્તુળ હેઠળના 351 ફીડર મારફતે અંદાજે 379 ગામોના 1.30 લાખથી વધુ ખેડૂતો આજે સીધો લાભ મેળવી રહ્યા છે.
આગામી સમયના આયોજન અંગે વિશેષ વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, ખેતીના વીજ માળખાને વધુ સુદ્રઢ બનાવવા માટે કોસ્ટલ એરિયાના 373 ફીડરમાં એમવીસીસી કામગીરી મંજૂર કરવામાં આવી છે, જે પૈકી 41 ફીડરમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં આરડીએસએસ યોજના હેઠળ તમામ ફીડરને મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર દ્વારા આવરી લેવામાં આવશે, જેથી વીજ વિતરણની વ્યવસ્થા વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનશે.
કિસાન સૂર્યોદય યોજનાના પરિણામે ખેડૂતોને રાત્રિના સમયે ભોગવવા પડતા જોખમો જેવા કે જંગલી જાનવરોનો ડર અને અન્ય અકસ્માતોમાંથી કાયમી મુક્તિ મળી છે. દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થવાથી સૂર્યપ્રકાશના કલાકોનો મહત્તમ ઉપયોગ કરી ખેડૂતો હવે ખેતી સાધનો અને મશીનરીનો સુવ્યવસ્થિત ઉપયોગ કરી રહ્યા છે, જે માત્ર ખેતીના વિકાસમાં જ નહીં પરંતુ ખેડૂતોના આરોગ્ય અને સામાજિક જીવનના સ્તરમાં સુધારો લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya