

- ગુજરાતના ખૂણે-ખૂણે ૫ લાખ સીડબોલ પહોંચાડવાનું વિજેશભાઈનું વિરાટ લક્ષ્ય
ગાંધીનગર, 24 ડિસેમ્બર (હિ.સ.) : તાપી જિલ્લાના કાવલા ગામના વિજેશભાઈ ગામીતે પ્રકૃતિની સેવા કરવાની અનોખી અને અસરકારક રાહ અપનાવી છે. ઈશ્વરની રચનામાં વનસ્પતિનું વિશેષ મહત્વ છે, પરંતુ આજે અનેક દુર્લભ વનસ્પતિઓ વિલુપ્તિના આરે છે. આવા સમયે વિજેશભાઈના હાથમાં દેખાતા કાળા-ભૂરા રંગના માટીના ગોળા એ માત્ર માટી નથી, પણ જંગલના 'ગુલાબજાંબુ' એટલે કે સીડ બોલ છે.
ગાયનું છાણ, સેન્દ્રિય ખાતર અને માટીના મિશ્રણમાંથી બનેલા આ ગોળામાં કુદરતનો અણમોલ ખજાનો એટલે કે દુર્લભ વનસ્પતિઓના બીજ છુપાયેલા હોય છે. જ્યાં માણસોનું પહોંચવું મુશ્કેલ છે, જ્યાં ડુંગરો વેરાન છે, ત્યાં વિજેશભાઈના સીડ બોલ જાદુ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે લગભગ ૯૦ હજાર સીડ બોલ તૈયાર કરીને ડાંગના ઉત્તર-દક્ષિણ રેન્જથી લઈને તાપીના સોનગઢ, સાદડવેલ, પદમડુંગરી અને ઉકાઈ જેવા ગીચ વન વિસ્તારોમાં ફેંક્યા છે.
કામમાં વ્યસ્ત રહેવા છતાં હ્રદય જંગલોની હરિયાળી માટે ધબકે છે તેવા ઉકાઈ તાલુકાના રહેવાસી વિજેશભાઈ વીજ ખાતામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમણે પોતાની ફરજની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજીને ગુજરાતને વધુ હરિયાળું બનાવવાનું એક મિશન શરૂ કર્યું છે.
આ તકે, વિજેશભાઈ ગામીતે કહ્યું કે, અત્યાર સુધીમાં મેં લગભગ ૯૦,૦૦૦ સીડ બોલ તૈયાર કરીને વેરાન વગડાથી લઈને ડાંગના ઉત્તર-દક્ષિણ રેન્જ અને તાપીના સોનગઢ, સાદડવેલ, પદમડુંગરી અને ઉકાઈ જેવા ગીચ વન વિસ્તારોમાં ફેંક્યા છે. ભેજ અથવા વરસાદ મળતા જ આ સીડ બોલ આપમેળે અંકુરિત થાય છે.
નોંધનીય છે કે, વિજેશભાઈના આ નિઃસ્વાર્થ કાર્યની નોંધ રાજ્ય સરકાર દ્વારા પણ લેવામાં આવી છે અને તેમને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પરંતુ વિજેશભાઈ માટે એવોર્ડ કરતાં વધુ મહત્વનું છે પોતાનું લક્ષ્ય. આગામી પાંચ વર્ષમાં તેઓ પાંચ લાખ સીડ બોલ તૈયાર કરીને ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચાડવા માંગે છે.
જ્યારે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરી રહી છે, ત્યારે વિજેશભાઈ જેવા વ્યક્તિઓ શાંતિથી અને નિષ્ઠાપૂર્વક પૃથ્વીને બચાવવાનું કાર્ય કરી રહ્યા છે. તેમના સીડ બોલ આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને હરિયાળીના આશીર્વાદ બનીને ઉગી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો વિજેશભાઈએ વેરાન વગડામાં સીડબોલ ફેંકીને ધરતીના સુકા શ્વાસમાં હરિયાળી ફૂંકી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ