




પોરબંદર, 24 ડિસેમ્બર (હિ.સ.) : મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત આજ રોજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ખંભાળા, તા. રાણાવાવ ખાતે ‘કિશોરી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓને મહિલા સુરક્ષા, વ્યક્તિગત આરોગ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણના વિવિધ પાસાઓ અંગે જાગૃત કરી તેમને સશક્ત બનાવવાનો હતો.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણી દ્વારા કિશોરીઓને સંબોધતા મહિલા સુરક્ષા અને સલામતી અંગેના કાયદાકીય કવચ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. તેમણે સમાજમાં બનતી અનિચ્છનીય ઘટનાઓ સામે કઈ રીતે સુરક્ષિત રહેવું અને કાયદાકીય મદદ કઈ રીતે મેળવી શકાય તે મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.
“સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેંટ ઓફ વુમનના ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર ડો. સંધ્યાબેન જોશી દ્વારા શિક્ષણના પાયાના મહત્વને સમજાવી, દીકરીઓ કઈ રીતે વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તે માટેનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આજના ટેકનોલોજીના યુગમાં ડિજિટલ સુરક્ષા અનિવાર્ય હોવાથી, જેંડર સ્પેસિયાલિસ્ટ ચિરાગ દવે દ્વારા કિશોરીઓને સાયબર સિક્યુરિટીના વિવિધ પાસાઓ, જેમ કે સોશિયલ મીડિયાનો સલામત ઉપયોગ અને ઓનલાઈન છેતરપિંડી કે હેકિંગથી બચવા માટેની સાવચેતીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથો-સાથ, ઉપસ્થિતો દ્વારા કિશોરીઓને શારીરિક પરિવર્તનો સમયે માસિક સ્વચ્છતાનું મહત્વ અને વ્યક્તિગત હાઈજીન જાળવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે પણ વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી, જે અંતર્ગત હાજર કિશોરીઓને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ શૈક્ષણિક કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની કુલ 102 વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન કર્યું હતું. આ પ્રસંગે “સંકલ્પ” ટીમના સૌરભભાઇ મારુ, સમગ્ર શિક્ષા અભિયાનના જેન્ડર કો-ઓર્ડીનેટર વૈશાલીબેન પટેલ, તેમજ ખંભાળા વિદ્યાલયના વોર્ડન મોરી મયુરિકા બહેન અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ અધિકારી, હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ થયું હતું તથા “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેંટ ઓફ વુમનની ટીમ દ્વારા સંચાલન થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya