

પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.)ગુજરાત રાજ્યમાં ટાઈપ-1 (જુવેનાઇલ) ડાયાબિટીસ કાર્યક્રમનું રાજ્યવ્યાપી ઉદ્ઘાટન ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે પાટણ જિલ્લાના GMERS મેડિકલ કોલેજના પીડિયાટ્રિક વિભાગ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકોને કિટનું વિતરણ કરવામાં આવ્યું. પાટણ જિલ્લામાં આવા બાળકોને રાજ્ય સરકાર દ્વારા સારવાર, માર્ગદર્શન અને સહાય સેવાઓ સતત પૂરી પાડવામાં આવી રહી છે.
જિલ્લા RCHO અધિકારી ડૉ. દિવ્યેશ પટેલે જણાવ્યું હતું કે, ટાઈપ-1 ડાયાબિટીસ સંપૂર્ણપણે મટી શકતો નથી, પરંતુ યોગ્ય સારવાર, જાગૃતિ અને માર્ગદર્શનથી બાળકો સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવી શકે છે.
તેમણે વાલીઓને રોગ અંગે યોગ્ય સમજ આપવાની અને મુશ્કેલીના સમયે જરૂરી પગલાં વિશે માહિતગાર રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સાથે જ સમાજમાં જાગૃતિ ફેલાવવાની અપીલ કરી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત RBSK ટીમ દ્વારા બાળકોની સ્ક્રીનીંગ, નિષ્ણાતો દ્વારા નિદાન અને નિયમિત ફોલોઅપની વ્યવસ્થા કરવામાં આવશે. કાર્યક્રમમાં તબીબો, RBSK ટીમ, બાળ દર્દીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ