
સુરત, 24 ડિસેમ્બર (હિ.સ.)-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.26 ડિસેમ્બરે સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. દિશા ફાઉન્ડેશન અને ઘોડિયા સમાજ દ્વારા તા.26 થી 29 ડિસેમ્બર-2025 દરમિયાન યોજાનારા આ ટ્રેડ ફેરથી આદિવાસી કલા, હસ્તકલા અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.
આ અવસરે મુખ્યમંત્રી સુરત જિલ્લામાં રૂ.696.53 કરોડના ખર્ચે રસ્તા અને પુલોના કુલ 15 વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરશે. સાથે જ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિત પાંચ જિલ્લાઓમાં રાજ્ય હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.162 કરોડના ખર્ચે 7 રોડ-બ્રિજ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
સુરત જિલ્લાના કામરેજ, ઓલપાડ, મહુવા અને અંબિકા તાલુકાઓમાં માર્ગોના વાયડનીંગ, સ્ટ્રેન્થનીંગ તથા નવા બ્રિજ નિર્માણથી વાહન વ્યવહાર વધુ સુગમ બનશે. બારડોલીથી મહુવા સુધીના 11 કિ.મી. રસ્તાને રૂ.61.84 કરોડના ખર્ચે ફોર-લેન બનાવવાની કામગીરી તથા રૂ.136.17 કરોડના ખર્ચે મહુવા–અનાવલ રોડને ફોર-લેન બનાવવાનું કામ શરૂ થશે. મહુવા બાયપાસ રોડ પર પૂર્ણા નદી ઉપર નવા બ્રિજ તેમજ મહુવા–અનાવલ રોડ પર પાંચ નવા બ્રિજોના નિર્માણનું પણ ભૂમિપૂજન થશે.
દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ડાંગ, નવસારી અને વલસાડ ખાતે મહત્વના બ્રિજ અને રાજ્ય ધોરી માર્ગોના કામોથી પ્રાદેશિક જોડાણ વધુ મજબૂત બનશે.
આ ઉપરાંત મહુવા સુગર ફેક્ટરી ખાતે રૂ.23 કરોડના ખર્ચે બાયોગેસ યુનિટનું લોકાર્પણ કરવામાં આવશે. આ યુનિટથી બગાસની બચત, પાણીનું પુનઃઉપયોગ, પર્યાવરણીય નિયમોનું પાલન તેમજ સભાસદોને સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત પોટાશ ખાતર ઉપલબ્ધ થશે.
આ સમગ્ર કાર્યક્રમથી દક્ષિણ ગુજરાતના માર્ગ માળખાને નવી દિશા મળશે તેમજ આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને વેગ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે