
- પરીક્ષાની પૂર્વ તૈયારી કરવા તાલીમની સાથે રૂ. ૨,૫૦૦ સ્ટાઇપેન્ડ ચૂકવાયું
- રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમની જોગવાઈ
ગાંધીનગર, 24 ડિસેમ્બર (હિ.સ.) : અનુસૂચિત જાતિના વધુમાં વધુ યુવાનો રાષ્ટ્ર સુરક્ષાની સેવામાં જોડાઈને પોતાની કારકિર્દી બનાવે તેવા ઉમદા હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ અમલી બનાવાઈ છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના યુવાનોને અગ્નિવીર પરીક્ષાની તૈયારી માટે તાલીમ આપવામાં આવે છે.
ગાંધીનગર સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા અનુસૂચિત જાતિના ૪૭ યુવાનોને ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ હેઠળ ૭૫ દિવસની તાલીમ આપીને અગ્નિવીરની ભરતી માટે તૈયાર કરાયા છે. યોજનાના સુયોગ્ય અમલીકરણ, યુવાનોને ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવા રાજ્ય સરકારે ગાંધીનગર સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટી સાથે કરાર કર્યા છે.
અનુસૂચિત જાતિના પસંદગી પામેલા તાલીમાર્થીઓને ૭૫ દિવસની તાલીમ
આ યોજનામાં રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા અનુસૂચિત જાતિના પસંદગી પામેલા તાલીમાર્થીઓને ૭૫ દિવસ માટે તાલીમ આપવામાં આવે છે. તાલીમાર્થીને આ યોજના હેઠળ માત્ર તાલીમ જ નહિ પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક યુવાનને દર મહિને ૧,૦૦૦ રૂપિયા લેખે કુલ રૂ. ૨,૫૦૦ સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે. આ સ્ટાઈપેન્ડની રકમ તાલીમાર્થીના એકાઉન્ટમાં સીધી DBT મારફતે ચૂકવવામાં આવે છે.
યોજના માટે ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષ સુધીના યુવાનોની પસંદગી
અગ્નિવીરમાં ગુજરાતમાંથી સૌથી વધુ યુવાનો સફળ થાય તે માટે સૂબેદાર રામજી સકપાલ યોજના હેઠળ ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષ સુધીના યુવાનોની પસંદગી કરાય છે.
આ તાલીમ માટે ઊંચાઈ ૧૬૮ સે. મી., વજન ૫૦ કિલોગ્રામ, છાતી ૭૭+૫ સે.મી.નું શારીરિક લાયકાતનું ધોરણ નક્કી કરાયું છે. આ યોજનાનો લાભ લેવા માટે શૈક્ષણિક ન્યૂનતમ લાયકાત ધો.૧૦ રાખવામાં આવ્યું છે સાથે જ ધોરણ ૧૦માં ઓછામાં ઓછા ૪૫ ટકા હોવા પણ જરૂરી છે. આ માટે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા મળેલી અરજીઓ પૈકી પ્રાથમિક તબક્કે શારીરીક કસોટી તથા લેખિત પરીક્ષા દ્વારા તાલીમાર્થીઓની પસંદગી સંપૂર્ણ પારદર્શીતાથી કરાય છે.
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ હેઠળ અનુસૂચિત જાતિના યુવાનોને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે રહેવા, જમવા, સ્ટાઈપેન્ડ, તાલીમ સહિતની બાબતો માટે રૂ. ૫૧ લાખની જોગવાઈ કરવામાં આવી હતી.
ગુજરાત સરકારની આ યોજના અનુસૂચિત જાતિના દેશસેવામાં જોડાવા માગતા યુવાનોના સપનાઓને પાંખો આપી રહી છે. જો તમે પણ દેશસેવા સાથે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માંગતા હોવ, તો 'સૂબેદાર રામજી સકપાલ યોજના' તમારા માટે શ્રેષ્ઠ માધ્યમ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ