પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોએ મેળવી મોટી સફળતા: 7 વીઘામાં કેળાની ખેતીથી એક સિઝનમાં 7 લાખ રૂપિયાનું ઉત્પાદન
અમરેલી,25 ડિસેમ્બર (હિ.સ.) આજના સમયમાં વધતા ખર્ચ અને રાસાયણિક ખેતીના નુકસાન વચ્ચે પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અમરેલી જિલ્લોના ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાના ખેતરે જ સીધું વેચાણ કરી રહ્યા છે અને પ્રતિ વીઘે એક સ
પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોએ મેળવી મોટી સફળતા: 7 વીઘામાં કેળાની ખેતીથી એક સિઝનમાં 7 લાખ રૂપિયાનું ઉત્પાદન


અમરેલી,25 ડિસેમ્બર (હિ.સ.) આજના સમયમાં વધતા ખર્ચ અને રાસાયણિક ખેતીના નુકસાન વચ્ચે પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અમરેલી જિલ્લોના ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાના ખેતરે જ સીધું વેચાણ કરી રહ્યા છે અને પ્રતિ વીઘે એક સિઝનમાં એક લાખથી વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે. આવી જ એક પ્રેરણાદાયક સફળતાની કહાણી છે, રાજુલા તાલુકાના દીપડિયા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતા યોગેશભાઈ શાંતિભાઈ ઠાકરની.

યોગેશભાઈ જણાવે છે કે તેમનું ખેતર દીપડિયા ખાતે આવેલ છે અને હાલ તેઓ રાજુલામાં રહે છે. તેઓએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક, ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. શરૂઆતમાં અનેક પડકારો આવ્યા, પરંતુ કુદરત પર વિશ્વાસ રાખીને તેમણે રાસાયણિક ખાતર અને દવાઓનો સંપૂર્ણ ત્યાગ કર્યો. આજે તેમની ખેતી અન્ય ખેડૂતો માટે ઉદાહરણ બની છે.

યોગેશભાઈએ કુલ 7 વીઘા જમીનમાં કેળાની ખેતી કરી છે. ખાસ વાત એ છે કે આ ખેતીમાં કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર કે ઝેરી દવા ઉપયોગમાં લેવામાં આવતી નથી. માત્ર ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા જમીનની ઉર્વરતા જાળવી રાખવામાં આવે છે. તેના પરિણામે કેળાની ગુણવત્તા અત્યંત ઉત્તમ બની છે. તેઓ જણાવે છે કે આ કોલેટી કેળાની મીઠાશ ખૂબ જ સારી છે અને લાંબા સમય સુધી તાજું રહે છે.

ચાલુ વર્ષે યોગેશભાઈએ પ્રતિ વીઘા અંદાજે એક લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે. કુલ 7 વીઘામાંથી એક સિઝનમાં આશરે 7 લાખ રૂપિયાનું ઉત્પાદન મળ્યું છે, જે પ્રાકૃતિક ખેતી માટે નોંધપાત્ર સિદ્ધિ ગણાય. ખાસ વાત એ છે કે તેઓ કેળાનું વેચાણ સીધું ગ્રાહકોને કરે છે. સ્વાદ અને ગુણવત્તા જાણીને લોકો જાતે ખેતરે આવી કેળા ખરીદી જાય છે. ઉપરાંત રાજુલા શહેરમાં પણ તેમનું વેચાણ સતત ચાલે છે.

યોગેશભાઈ જણાવે છે કે ખેતરેથી સીધું વેચાણ થવાથી મધ્યસ્થ ખર્ચ બચી જાય છે અને ગ્રાહકોને પણ શુદ્ધ, તાજું અને આરોગ્યદાયક ઉત્પાદન મળે છે. આ મોડેલથી ખેડૂત અને ગ્રાહક બંનેને ફાયદો થાય છે. રાસાયણિક ખેતીની સરખામણીમાં ખર્ચ ઓછો હોવાથી નફો વધારે મળે છે અને જમીનની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે.

આ સફળતાથી આસપાસના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાઈ રહ્યા છે. યોગેશભાઈનું માનવું છે કે જો ખેડૂત ધીરજ રાખીને પ્રાકૃતિક ખેતી કરે તો શરૂઆતના થોડા વર્ષો બાદ ઉત્તમ પરિણામ જરૂર મળે છે. પ્રાકૃતિક ખેતી માત્ર આવક વધારતી નથી, પરંતુ જમીન, પાણી અને માનવ સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરે છે.

અમરેલી જિલ્લાના આ ખેડૂતની સફળતા સાબિત કરે છે કે પ્રાકૃતિક, ગાય આધારિત ખેતી અપનાવીને ખેડૂતો આત્મનિર્ભર બની શકે છે અને એક જ સિઝનમાં લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande