
મહેસાણા,25 ડિસેમ્બર (હિ.સ.)
આજરોજ રાજ્યવ્યાપી જુવેનાઈલ ડાયાબિટીસ કાર્યક્રમનો મુખ્યમંત્રીના કરકમળે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત ડી.એચ. મહેસાણા તથા એમ.સી. વડનગર ખાતે આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમની સક્રિય હાજરીમાં કુલ 40 ટાઈપ–1 ડાયાબિટીસથી પીડિત બાળકો અને કિશોરોનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. સાથે જ તમામ લાભાર્થીઓને બ્લડ શુગરનું નિયમિત મોનીટરિંગ કરી શકે તે માટે ગ્લુકોમીટર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ટાઈપ–1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને સમયસર સારવાર, માર્ગદર્શન અને જરૂરી આરોગ્ય સાધનો ઉપલબ્ધ કરાવી તેમના જીવનમાનમાં સુધારો લાવવાનો છે. ચેકઅપ દરમિયાન તબીબો દ્વારા બાળકોના આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ માતા-પિતાને ડાયાબિટીસ નિયંત્રણ, આહાર અને દૈનિક કાળજી વિશે માહિતગાર કરવામાં આવ્યા.
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ આ જુવેનાઈલ ડાયાબિટીસ કાર્યક્રમ આરોગ્યક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ ગણાઈ રહી છે. આવા કાર્યક્રમોથી બાળકોને સમયસર સારવાર મળશે તેમજ પરિવારજનોને પણ મોટી રાહત મળશે. મહેસાણા અને વડનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમ આરોગ્ય જાગૃતિ અને બાળ સ્વાસ્થ્ય સુરક્ષા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR