ખડસલી ક્લસ્ટરમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી, 129 ખેડૂતોએ લીધો નવીન ખેતીનો માર્ગદર્શન લાભ
અમરેલી,25 ડિસેમ્બર (હિ.સ.)અમરેલી જિલ્લાના ખડસલી ક્લસ્ટરના દાધિયા ગામમાં ગઈકાલે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. આ કાર્યક્રમ દાધિયા ગામના પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ ભાલાળાના ખેતરમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 129 જેટલા ખ
ખડસલી ક્લસ્ટરમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી, 129 ખેડૂતોએ લીધો નવીન ખેતીનો માર્ગદર્શન લાભ


અમરેલી,25 ડિસેમ્બર (હિ.સ.)અમરેલી જિલ્લાના ખડસલી ક્લસ્ટરના દાધિયા ગામમાં ગઈકાલે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. આ કાર્યક્રમ દાધિયા ગામના પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ ભાલાળાના ખેતરમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 129 જેટલા ખેડૂત અને મહિલાઓ હાજર રહ્યા હતા. કંકુ-તિલક દ્વારા સ્વાગત સમારોહ સાથે કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત ભાષણ અને કિસાન દિવસની ઉજવણીના ઉદ્દેશ અંગે શ્રી હીરાભાઈ દિહોરાએ વિસ્તૃત રીતે માર્ગદર્શન આપ્યું. તેમણે ખેડૂતોને રાષ્ટ્રીય ખેડૂત દિવસનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે, ખેડૂત દેશની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે અને તેમની નવીનતા તથા મહેનતથી જ કૃષિ ક્ષેત્ર આગળ વધી રહ્યું છે.

ત્યારબાદ શ્રી મધુભાઈ કાપડિયાએ ખેડૂત દિવસની વિગતો રજૂ કરી અને ખેડૂત નવીનતા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે બદલાતી ખેતી પદ્ધતિઓ, નવી ટેકનોલોજી અને બજારની માંગને અનુરૂપ ખેતી કેવી રીતે અપનાવવી તે અંગે પોતાના વિચારો રજૂ કર્યા.

કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ કૃષિમાં ટેકનોલોજીના લાભ, મૂલ્યવર્ધન અને કુદરતી ખેતી અંગે પોતાના અનુભવો શેર કર્યા. ખુલ્લી પ્રશ્નાવલી દરમિયાન ખેડૂતોને પોતાની સમસ્યાઓ રજૂ કરવાની તક મળી, જેમાં ખેતી ખર્ચ, બજારભાવ, પાણી વ્યવસ્થાપન અને પાક સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

ATMA તરફથી પ્રતિનિધિ દ્વારા ઓર્ગેનિક ખેતી, પ્રમાણપત્ર પ્રક્રિયા અને બજાર જોડાણ (માર્કેટ લિંકેજ) વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. ખેડૂતોને સમજાવવામાં આવ્યું કે ઓર્ગેનિક ખેતી દ્વારા કેવી રીતે વધારે મૂલ્ય મેળવી શકાય અને સીધા બજાર સાથે જોડાઈ શકાય.

શ્રી સુભાષભાઈએ ડુંગળી માટેની બાયો ઇનપુટ કીટ, રેઈન પાઇપ કીટ તેમજ FPO (Farmer Producer Organization)ના શેરધારક બનવાના ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે સમજાવ્યું કે FPO સાથે જોડાવાથી ખેડૂતોને સામૂહિક શક્તિ, ઓછા ખર્ચે ઇનપુટ્સ અને સારું બજાર મળે છે.

કાર્યક્રમમાં શ્રી પંકજભાઈ યાદવે “SATHVAARO” પોર્ટલ વિશે વિગતવાર માહિતી આપી. આ પોર્ટલ દ્વારા ખેડૂતોને તાલીમ, ટેકનિકલ માર્ગદર્શન અને વિવિધ યોજનાઓની માહિતી સરળતાથી મળી રહે તે અંગે સમજાવવામાં આવ્યું.

કાર્યક્રમના અંતે તમામ ખેડૂતો માટે ફાર્મ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ડ્રોન દ્વારા છંટકાવ, મકાઈની ખેતી, ગ્રાઉન્ડ કવર, હળદર અને રતાળુની ખેતી સાથે મલ્ચિંગ પદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી. આ ફાર્મ મુલાકાત દરમિયાન ટેકનિકલ માર્ગદર્શન અને વધુ વિગતવાર સમજણ ડૉ. રવિ પાટીલ દ્વારા આપવામાં આવી, જેને ખેડૂતો તરફથી વિશેષ રસ અને પ્રતિસાદ મળ્યો.

રાષ્ટ્રીય ખેડૂત દિવસની આ ઉજવણી દ્વારા ખેડૂતોમાં નવીન ખેતી પદ્ધતિઓ, ટેકનોલોજીનો ઉપયોગ અને કુદરતી ખેતી પ્રત્યે જાગૃતિ ફેલાઈ છે, જે ભવિષ્યમાં ખેતીને વધુ નફાકારક અને ટકાઉ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande