
જૂનાગઢ 25 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં ઘેલા સોમનાથથી શરૂ થયેલી જનકલ્યાણ શિવવંદના પદયાત્રા આજે જૂનાગઢથી નીકળી વંથલી થઈ કેશોદના અગતરાય ગામે પહોંચી હતી.
આ પદયાત્રાના પદયાત્રિકો સહિત કેબિનેટ મંત્રીએ વહેલી સવારમાં જૂનાગઢમાં સૌપ્રથમ પાર્થ એકેડમી ખાતે આયોજિત રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાજર વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને માર્ગદર્શન આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આજરોજ પદયાત્રિકો સહિત મંત્રીનું એક અગ્રણી કંપનીના પ્રતિનિધિ મંડળ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જનકલ્યાણ શિવવંદના પદયાત્રા વંથલી ખાતે પહોંચી હતી. જ્યાં જનસભાને પ્રેરક સંબોધન કર્યું હતું, ત્યારબાદ કેબિનેટ મંત્રીએ વંથલી ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ત્યારબાદ આ પદયાત્રા અનુક્રમે કણજા, ખોખારડા ગામ ખાતે આવી પહોંચી હતી. અહીં સાવજ જૂનાગઢ સહકારી દૂધ ઉત્પાદક સંઘ મંડળી લિમિટેડના સદસ્યો અને હોદ્દેદારો દ્વારા મંત્રીનું શાલ ઓઢાડીને, કુમકુમ તિલક કરીને અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રા આગળ વધી માણેકવાડા હતી. અહીં કેબિનેટ મંત્રી ઉપરાંત પદયાત્રીકોએ માલબાપા મંદિર ખાતે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
આ પદયાત્રા આજરોજના અંતિમ મુકામ એટલે કે અગતરાઈ ગામ ખાતે પહોંચી ગઈ હતી. અહીં પદયાત્રીકો રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે ફરીથી સોમનાથ મંદિર તરફ જવા માટે અગ્રેસર થશે.
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નેતૃત્વમાં શરૂ થયેલી આ પદયાત્રામાં સેવા, સત્સંગ અને સ્મરણનો અદભૂત ત્રિવેણી સમન્વય જોવા મળ્યો હતો. આ ઘેલા સોમનાથથી શરૂ થયેલી પદયાત્રાને ગામે ગામ ઉત્સાહ સાથે લોકોએ વધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ