માર્કેટીંગથી સફળતા: ખાંભાની મહિલાએ એક વર્ષમાં રૂ. 8 લાખનું ખાખરા અને રૂ. 1 લાખની મીઠાઈનું વેચાણ કરી બન્યા ‘લખપતિ દીદી’
અમરેલી,, 25 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની મહિલાઓ આજે આત્મનિર્ભરતાની દિશામાં નવી ઊંચાઈ સર કરી રહી છે. તેવી જ એક પ્રેરણાદાયક કહાણી છે ‘માશ્રય સખી મંડળ’ના સંચાલિકા ઝંખનાબેન નસિતની, જેમણે યોગ્ય તાલીમ, સંકલ્પ અને અસરકારક માર્કેટીંગના બ
માર્કેટીંગથી સફળતા: ખાંભાની મહિલાએ એક વર્ષમાં રૂ. 8 લાખનું ખાખરા અને રૂ. 1 લાખની મીઠાઈનું વેચાણ કરી બન્યા ‘લખપતિ દીદી’


અમરેલી,, 25 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની મહિલાઓ આજે આત્મનિર્ભરતાની દિશામાં નવી ઊંચાઈ સર કરી રહી છે. તેવી જ એક પ્રેરણાદાયક કહાણી છે ‘માશ્રય સખી મંડળ’ના સંચાલિકા ઝંખનાબેન નસિતની, જેમણે યોગ્ય તાલીમ, સંકલ્પ અને અસરકારક માર્કેટીંગના બળે એક વર્ષમાં રૂ. 8 લાખનું ખાખરાનું અને રૂ. 1 લાખની મીઠાઈનું વેચાણ કરીને ‘લખપતિ દીદી’ તરીકે ઓળખ મેળવી છે.

ઝંખનાબેન નસિત અમરેલી જિલ્લાના મહેનતુ બહેનોનું પ્રતિનિધિત્વ કરે છે. શરૂઆતમાં તેમણે ફક્ત ખાખરા બનાવવાની તાલીમ મેળવી હતી. ત્યારબાદ તેઓ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની સાથે જોડાયા. આ જોડાણથી તેમને માર્ગદર્શન, બજાર સાથે સંપર્ક અને વિવિધ મેળાઓમાં ભાગ લેવાની તક મળી. સરસ મેળા, સશક્ત મેળા સહિત ત્રણ મહત્વપૂર્ણ મેળાઓમાં ભાગ લીધા બાદ તેમની પ્રોડક્ટ્સની ઓળખ વધતી ગઈ અને વેચાણમાં નોંધપાત્ર વધારો થયો.

માશ્રય સખી મંડળ દ્વારા વિવિધ આરોગ્યપ્રદ ફૂડ પ્રોડક્ટ્સ ઘરેથી તૈયાર કરવામાં આવે છે. ઝંખનાબેન જણાવે છે કે, તેમની ટીમ દ્વારા 22 પ્રકારના ખાખરા બનાવવામાં આવે છે, જે સ્વાદિષ્ટ હોવા સાથે આરોગ્યપ્રદ પણ છે. આ ખાખરાઓ ઉપરાંત ખજૂરના વિવિધ રોલ, તેલ વગરનું ખજૂર-ડ્રાયફ્રૂટ અથાણું, મુખવાસ, પાપડ તેમજ બેકરી પ્રોડક્ટ્સ પણ તૈયાર થાય છે. ખાસ વાત એ છે કે બેકરી પ્રોડક્ટ્સમાં મેંદો કે પામ તેલનો ક્યાંય ઉપયોગ કરવામાં આવતો નથી, જેથી આરોગ્યપ્રેમી ગ્રાહકોમાં તેની ખાસ માંગ છે.

મીઠાઈની વાત કરીએ તો, ગીર ગાયના શુદ્ધ ઘીમાંથી તૈયાર થતો મોહનથાળ, મેથીપાક અને અડદિયો ગોળ તથા સાકરમાં બનાવવામાં આવે છે. એક વર્ષમાં કુલ રૂ. 8 લાખના વેચાણમાંથી રૂ. 1 લાખનું વેચાણ ફક્ત મીઠાઈનું થયું છે, જે તેમની ગુણવત્તા અને સ્વાદની સાબિતી આપે છે.

માર્કેટીંગની દૃષ્ટિએ પણ ઝંખનાબેનનો અભિગમ પ્રશંસનીય છે. સખી મેળાઓ ઉપરાંત હવે ગ્રાહકો ઘરેથી પણ સીધા ઓર્ડર આપે છે. સોશિયલ સંપર્કો અને મોઢે-મોઢે પ્રસિદ્ધિથી તેમની પ્રોડક્ટ્સની માંગ ગુજરાતની બહાર સુધી પહોંચી છે. આજે તેમની ખાખરા અને મીઠાઈની મહેક છેક મહારાષ્ટ્રના નાસિક સુધી ફેલાઈ ગઈ છે. વધતી માંગને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નાસિક ખાતે અલાયદો સ્ટોર શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ઝંખનાબેન નસિત કહે છે કે, રાજ્ય સરકારની સહાયતા, યોગ્ય તાલીમ અને સતત મહેનતથી મહિલાઓ માટે આત્મનિર્ભર બનવું શક્ય છે.

ગીરકાંઠાની બહેનોનો પરિશ્રમ આજે રંગ લાવી રહ્યો છે અને અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યો છે. મર્યાદિત સાધનોમાંથી શરૂઆત કરીને સફળ વ્યવસાય ઉભો કરનાર ઝંખનાબેનની કહાણી ગ્રામિણ મહિલાઓ માટે આત્મવિશ્વાસ અને આશાની નવી કિરણ સમાન છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande