
અંજીરની પ્રોડક્ટ બનાવી ગિફ્ટ બોક્સનો નવતર પ્રયાસ, અમરેલીની મહિલા ખેડૂતે આત્મનિર્ભરતાની નવી ઓળખ ઊભી કરી
અમરેલી,25 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી તાલુકાના મોટા આંકડિયા ગામની પ્રગતિશીલ મહિલા ખેડૂત વિલાસબેન દિનેશભાઈ સવસિયાએ પરંપરાગત ખેતીની સીમાઓને પાર કરીને બાગાયતી ખેતીમાં અંજીરની ખેતી કરી અને તેમાંથી વિવિધ મૂલ્યવર્ધિત પ્રોડક્ટ બનાવી આજે લાખો રૂપિયાની આવક મેળવી રહી છે. પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અપનાવી તેમણે ખેતીને માત્ર ઉપજ સુધી સીમિત ન રાખી, પરંતુ પ્રોસેસિંગ અને માર્કેટિંગ દ્વારા તેને એક સફળ વ્યવસાયમાં પરિવર્તિત કરી છે.
વિલાસબેન સવસિયાએ માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ તેમની દ્રઢ ઇચ્છાશક્તિ અને સતત મહેનતે તેમને સફળ ઉદ્યોગસાહસિક બનાવી છે. હાલ તેઓ પાંચ વીઘા જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી અંજીરની ખેતી કરે છે. શરૂઆતમાં તેમણે તાજા અંજીરનું વેચાણ કર્યું, પરંતુ સમય જતાં બજારની માંગ અને ગ્રાહકોની પસંદગીને સમજતા તેમણે અંજીરમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું. અંજીરની ચટણી, જામ, જેલી અને મીઠાઈ જેવી વસ્તુઓને લોકો તરફથી સારો પ્રતિસાદ મળતા તેમણે વ્યવસાયને વધુ વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો.
આજના સમયમાં ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ સતત બદલાઈ રહ્યો છે. લોકો હવે પરંપરાગત મીઠાઈ કે ફૂલોના બદલે કંઈક અલગ, આરોગ્યદાયક અને અનોખી ગિફ્ટ આપવા ઇચ્છે છે. આ વિચારને ધ્યાનમાં રાખીને વિલાસબેને અંજીરની પ્રોડક્ટ પરથી આધારિત ખાસ ગિફ્ટ બોક્સ તૈયાર કર્યો. આ બોક્સમાં અંજીરમાંથી બનાવેલી છ અલગ-અલગ ફ્લેવરની વસ્તુઓ રાખવામાં આવે છે, જેમાં ચટણી, જામ, જેલી અને મીઠાઈની છ બરણીઓનો સમાવેશ થાય છે.
ગિફ્ટ બોક્સની સાઈઝ અને સામગ્રી પ્રમાણે તેનો ભાવ ₹1,000 થી ₹2,000 સુધી રાખવામાં આવ્યો છે. લગ્ન, તહેવાર, શુભ પ્રસંગો અને કોર્પોરેટ ગિફ્ટિંગ માટે આ બોક્સની ખાસ માંગ છે. વિલાસબેન જણાવે છે કે દર મહિને અંદાજિત ₹50,000 થી ₹70,000 સુધીનું વેચાણ માત્ર ગિફ્ટ બોક્સમાંથી થાય છે, જ્યારે વાર્ષિક અંજીરની વિવિધ પ્રોડક્ટનું કુલ વેચાણ ₹20 લાખ સુધી પહોંચે છે.
પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન ખર્ચ ઘટ્યો છે અને પ્રોડક્ટની ગુણવત્તા વધતાં ગ્રાહકોનો વિશ્વાસ પણ મજબૂત થયો છે. ખુલ્લી બજારમાં તેમજ ઓર્ડર આધારીત વેચાણથી તેમણે પોતાનું એક અલગ બ્રાન્ડ નામ ઊભું કર્યું છે. ગામની એક સામાન્ય મહિલા ખેડૂતથી સફળ ઉદ્યોગસાહસિક બનવાની વિલાસબેનની સફર અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.
આજે વિલાસબેન સવસિયાની સફળતા સાબિત કરે છે કે યોગ્ય વિચાર, મહેનત અને નવીનતા સાથે ખેતી પણ ઊંચી આવકનું સાધન બની શકે છે. તેમની આ કહાણી ગ્રામિણ મહિલાઓને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધવા માટે માર્ગદર્શક બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai