
સુરત, 26 ડિસેમ્બર (હિ.સ.)-રાજસ્થાનથી માલ ડિલીવરી કરવા માટે મોકલાવેલા ટ્રક ચાલકે માલ સુરતના હજીરા વિસ્તારની કંપનીમાં ખાલી કર્યા બાદ પરત ટ્રક ટ્રાન્સપોર્ટમાં જમા કરાવવાના બદલે લઈને રફુચક્કર થઈ ગયો હતો. જેથી ભોગ બનનાર ટ્રાન્સપોર્ટરની ફરિયાદના આધારે પોલીસે ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હજીરા પોલીસના જણાવ્યા મુજબ રાજસ્થાન, અજમેરના નશીરાબાદ, જયપુરીયા મહોલ્લો ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ૨૮ વર્ષીય દાનીશ આલીમ આરીફ હુસૈનએ ગતરોજ ઉમેશ છોટેલાલ વર્મા (રહે જાગીપુર, મઉગામ, અલ્હાબાદ , યુપી) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપી તેની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ટ્રક ચાલક તરીકે નોકરી કરતો હતો. તેને ગત તા ૬ ડિસેમ્બરના રોજ રાજસ્થાનના ભિવાડી, શ્રી બાલાજી રોડ કેરીયર નામની કંપનીમાંથી માલ લોડ કરાવી સુરતના મોરા ટેકરા ગામ એન.ટી.પી.સી નજીક આવેલ વદરાજ સિમેન્ટ લિમિટેડ કંપનીમાં અનલોડ કરવા માટે મોકલ્યો હતો. ઉમેશ વર્માએ આ માલ સુરતની કંપનીમાં અનલોડ કર્યા બાદ પરત ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નહી દાનીશ હુસૈનની ૫ લાખની કિંંમતની ટ્રક લઈને નાશી જઈ સગેવગે કરી નાંખી હતી. બનાવ અંગે પીએસઆઈ જે.પી.કટારાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે