શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કીડીવાવ ખાતે પ્રેરણાત્મક સ્વ-રોજગાર શિબિર અને રોજગાર મેળો યોજાયો
ગીર સોમનાથ 26 ડિસેમ્બર (હિ.સ.)ગીર સોમનાથ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં ઘેલા સોમનાથ થી શરૂ થયેલી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા કીડીવાવ મુકામે પહોંચી હતી. જે અંતર્ગત મંત્રીશ્રીની અધ્યક્ષતામાં કીડીવાવ શૈક્ષણિક સંક
મંત્રી  કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કીડીવાવ ખાતે


ગીર સોમનાથ 26 ડિસેમ્બર (હિ.સ.)ગીર સોમનાથ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં ઘેલા સોમનાથ થી શરૂ થયેલી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા કીડીવાવ મુકામે પહોંચી હતી. જે અંતર્ગત મંત્રીશ્રીની અધ્યક્ષતામાં કીડીવાવ શૈક્ષણિક સંકૂલ ખાતે જિલ્લા રોજગાર કચેરી અને નોડલ આઈ.ટી.આઈ. વેરાવળ દ્વારા પ્રેરણાત્મક સ્વ-રોજગાર શિબિર અને રોજગાર મેળો યોજાયો હતો.

મંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગેવાનીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કામગીરી થઈ રહી છે. મહિલા અને યુવાનોની ભાગીદારીથી જ વર્ષ ૨૦૪૭માં ‘વિકસિત ગુજરાત’ થકી ‘વિકસિત ભારત’ બનાવવાનો લક્ષ્ય સાકાર થઈ શકશે.

વિકસિત ગુજરાત’ માટે વિકસિત ગામડાઓની ખાસ જરૂર છે. ગ્રામ્યસ્તરે મહિલાઓ અને યુવાનોને ઘરે બેઠા રોજગારી મળે અને તેમના કૌશલ્યમાં વધારો થાય તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કામ થઈ રહ્યું છે. સરકારની અનેક યોજનાઓ થકી મહિલાઓ અને યુવાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે. ઉદ્યોગોને સ્કીલ ધરાવતા યુવાઓની જરૂર છે. તાલીમ થકી આવા યુવાઓને કૌશલ્યબદ્ધ કરી અને રોજગાર આપવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે. એમ એમણે ઉમેર્યું હતું.મંત્રીએ મહિલાસશક્તિકરણની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હવે આઈ.ટી.આઈમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વધી છે તેમજ હાર્ડ ગણાતી મિકેનિકલ, સિવિલ જેવી બ્રાંચમાં પણ વિદ્યાર્થીનીઓ એડમિશન લઈ રહી છે. ભવિષ્યમાં આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને યુવા રોજગાર મેળવતો થશે. આઈ.ટી.આઈમાં પણ આવા કોર્ષ સરળતાથી ઉપલબ્ધ કરવા અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે.

રોજગાર ક્ષેત્રે કાર્યરત વિવિધ યોજનાઓ વિશે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ દળો/ અર્ધ લશ્કરી દળોની ભરતીમાં જિલ્લાની ભાગીદારી વધારવા હેતુસર ઈચ્છુક યુવાનો માટે સ્વામી વિવેકાનંદ પૂર્વ સેવા નિવાસી તાલીમ થકી નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા સાથે પ્રેક્ટિકલ અને થિયરી તાલીમ સાથે સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના અન્વયે ધો.૧૦ અને ધો.૧૨ પાસ, આઈ.ટી.આઈ. પાસ ગ્રેજ્યુએટ્સને લાયકાત અને એપ્રેન્ટિસ કોર્ષ મુજબ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ નિયામની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કીડીવાવ શૈક્ષણિક સંકૂલ ખાતે રોજગાર વિભાગ, જિલ્લા શ્રમ અધિકારીની કચેરી સહિતના વિભાગો દ્વારા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિગતો આપવામાં આવી હતી અને તેનો વધુને વધુ લાભ લેવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે મહિલા સ્વાવલંબી યોજના, એપ્રેન્ટીશશિપ એનાયત કરારપત્ર, સ્વામિ વિવેકાનંદ નિવાસી તાલીમ યોજના, અંત્યોદય સહાય યોજના, બકરા એકમ સહાય સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આદેશ/કીટ વિતરણ અને આવાસ યોજનાની પ્રતિકાત્મક ચાવી અર્પણ કરવામાં આવી હતી.

આ તકે, પ્રતિષ્ઠિત એકમોમાં ખાલી પડેલી જગ્યાઓ સામે રોજગારવાંચ્છુઓ માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરાયું હતું અને જિલ્લા સરકારી શ્રમ કચેરી ગીર સોમનાથ દ્વારા ઈ-શ્રમ નોંધણી કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, રોજગાર નાયબ નિયામક શ્રી સી.જે.દવે, કીડીવાવ શૈક્ષણિક સંકુલના પ્રમુખ રામસિંહભાઈ ડોડિયા, અગ્રણી સર્વ પ્રદ્યુમનભાઈ ડોડિયા, સંજયભાઈ ડોડિયા સહિત વિદ્યાર્થીઓ અને રોજગાર, શ્રમ સહિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande