મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ
ગાંધીનગર, 26 ડિસેમ્બર (હિ.સ.) : ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળી અને તેમાં પણ અમદાવાદની પસંદગી થઈ તેવા ગૌર
ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ


ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ


ગાંધીનગર, 26 ડિસેમ્બર (હિ.સ.) : ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળી અને તેમાં પણ અમદાવાદની પસંદગી થઈ તેવા ગૌરવપૂર્ણ અવસરે ક્રીડા ભારતીનું અધિવેશન અમદાવાદમાં યોજાયું છે. તેનાથી સ્પોર્ટ્સ સેક્ટરને નવી દિશા મળશે.

વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે, જીવનમાં દરેક ક્ષેત્રે વિકાસ થવો જોઈએ અને તેમાં ખેલકૂદનું પણ મહત્વ છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યુ કે, વડાપ્રધાનએ આવા ઉદાત ભાવ સાથે ગુજરાતમાં રમત-ગમત સંસ્કૃતિ વિકસાવવા ૨૦૧૦થી ખેલ મહાકુંભ શરૂ કરાવ્યો છે. ખેલ મહાકુંભના પરિણામે રાજ્યના ગ્રામીણ વિસ્તારો સુધી સ્પોર્ટ્સ પ્રત્યેની ઉત્સુકતા વધી છે અને ખેલ મહાકુંભમાં ભાગ લેનારાઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહિ છે.

૨૦૧૦માં ૧૬લાખ લોકોની સહભાગીતાથી શરૂ થયેલા ખેલ મહાકુંભની ૨૦૨૫ એડીશનમાં ૭૨લાખ લોકો જોડાયા છે.

એટલુ જ નહિ, ખેલ મહાકુંભની સફળતાને પગલે ગુજરાતના ૧૬ જેટલા પ્રતિભાવંત ખેલાડીઓએ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમતોમાં રાજ્ય અને દેશનું પ્રતિનિધિત્વ કર્યુ છે.

મુખ્યમંત્રીએ પ્રાચીન ગ્રંથોના રમતોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ભારતમાં પુરાણકાળથી રમતગમત એ સંસ્કૃતિ અને જીવનશૈલીનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો રહી છે. હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથોમાં પણ 64 વિદ્યાઓ દ્વારા વ્યક્તિના કૌશલ્ય વિકાસની વાત કરવામાં આવી છે, તેમાં ઘણી વિદ્યાઓ રમત સાથે જોડાયેલી હોવાનો ઉલ્લેખ છે તેવું તેમણે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, ભગવાન શ્રી કૃષ્ણ બાળપણમાં ગેડીદડાની રમત રમ્યાનો ઉલ્લેખ આપણા ગ્રંથોમાં છે, આ ઉપરાંત ગુરુ દ્રોણાચાર્યના ગુરુકુળમાં કૌરવો અને પાંડવો વચ્ચે ધનુષ્ય બાણ અને ગદા યુદ્ધ જેવું સ્પર્ધાઓનું વર્ણન પણ છે. યજુર્વેદમાં ફિઝિકલ ટ્રેનિંગ, અર્થવેદમાં સ્વસ્થ શરીર અને સમાજને રાજ્યની કરોડરજ્જુ કહી છે. આ બધું ખેલભાવના માટેનું પ્રતિબિંબ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રીડા ભારતીના પાંચમા અધિવેશનમાં સમગ્ર દેશમાંથી પધારેલા ખેલાડીઓ, પ્રશિક્ષકો અને સ્વયંસેવકોનું ગુજરાતની ધરતી પર પધારવા બદલ સ્વાગત કરી જણાવ્યું હતું કે ક્રીડા ભારતી સંસ્થા ભારતીય સંસ્કૃતિમાં વર્ણવાયેલી આવી અનેક રમતોના સંરક્ષણ માટે રમતગમત દ્વારા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપી રહી છે. અને દેશપ્રેમના સંસ્કાર સિંચન થકી ખેલાડીઓ નહીં પણ ભાવિ નાગરિકો તૈયાર કરવાનું કામ ક્રીડા ભારતી કરે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ઓલિમ્પિકના ભાગરૂપે આગામી સમયમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ રમતોના આયોજન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ક્રીડા જ્યોત સ્મારિકા પુસ્તકનું વિમોચન કરાયું હતું.

અમદાવાદના શ્રી કલ્કી તીર્થધામ, પ્રેરણપીઠ ખાતે આયોજિત ત્રિ-દિવસીય અધિવેશનમાં સમગ્ર દેશમાંથી ક્રીડા ભારતી સંસ્થા સાથે જોડાયેલા ખેલાડીઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહેશે.

ક્રીડા ભારતીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિવેકભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ ઉપરાંત અખિલ ભારતીય મહામંત્રી રાજજી ચૌધરીએ અધિવેશન વિશે માહિતી આપી હતી તથા ક્રીડા ભારતી સંસ્થા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ અધિવેશનમાં ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધ્યક્ષ ગોપાલજી સૈની, મઘ્યપ્રદેશના કેબિનેટ મંત્રી અને ક્રીડા ભારતીના કાર્યકારી અધ્યક્ષ ચૈતન્યજી કશ્યપ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મીનેષભાઈ, મહાનગરના અધ્યક્ષ આનંદભાઈ, ગુજરાત પ્રદેશ મંત્રી ચિરાગભાઈ અને સમગ્ર દેશમાંથી ક્રીડા ભારતી સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande