
પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ બસ સ્ટેન્ડ પર રાત્રિના સમયે ડરેલી હાલતમાં એકલી બેઠેલી યુવતી અંગે એક જાગૃત નાગરિકે અભયમ મહિલા હેલ્પલાઇન 181 પર જાણ કરી હતી. માહિતી મળતા જ પાટણ 181ની ટીમ તાત્કાલિક બસ સ્ટેન્ડ પહોંચી અને યુવતીને સાંત્વના આપી વાતચીત કરી હતી.
કાઉન્સિલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું કે તે બહુચરાજી તાલુકાની રહેવાસી છે. સવારે પતિ સાથે ઝઘડો થતાં કોઈને જાણ કર્યા વગર ત્રણ વર્ષના બાળકને ઘરે મૂકી ભાભર જવા નીકળી હતી. જોકે ભાડાંના અભાવે તે પાટણ સુધી જ આવી શકી અને આગળ જવા માટે પૈસા ન હોવાથી બસ સ્ટેન્ડ પર બેઠી રહી હતી. યુવતીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 181ની ટીમે તેના પતિનો સંપર્ક કરી સમજાવ્યો અને રાત્રે તેને ધારપુર સિવિલ હોસ્પિટલ સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાવ્યો. પતિને બીજા દિવસે સવારે સખી વન સ્ટોપ સેન્ટર આવી પત્નીને લઈ જવા માટે જાણ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ