
સુરત, 26 ડિસેમ્બર (હિ.સ.)-સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ‘ભોલેનાથ આઈસ્ક્રીમ’ દુકાનમાં મોડીરાત્રે બે અજાણ્યા તસ્કરોએ અનોખી રીતથી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ શટરના નીચેના ભાગે માત્ર અડધો ફૂટ પહોળું અને ત્રણ ફૂટ લાંબું ગાબડું પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો.
દુકાનમાં લાગેલા CCTV ફૂટેજમાં દેખાય છે કે બંને તસ્કરોએ ઓળખ છુપાવવા હૂડી પહેરી હતી. એક તસ્કરના હાથમાં ટોર્ચ હતી, જ્યારે બીજા તસ્કરના કમરના ભાગે મોટું ધારદાર ચપ્પુ લટકતું હતું. તસ્કરોએ ગલ્લા અને ડ્રોઅરમાંથી રોકડ રકમની શોધખોળ કરી અને થોડા સમયમાં ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
સવારે દુકાન માલિકે ચોરીની જાણ થતા ઉધના પોલીસને માહિતી અપાઈ હતી. પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને તસ્કરોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે