



અમદાવાદ, 26 ડિસેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દેશ-વિદેશમાં વિખ્યાત બનેલા કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી વાજપેયીની 101મી જયંતી નિમિત્તે ભાવવંદના કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી સુશાસનના પ્રણેતા એવા અટલજીના જન્મદિવસને ગુડ ગર્વનન્સ ડે તરીકે ઊજવવાની શરૂઆત કરાવી હતી. સુશાસન થકી છેવાડાના લોકોને વિકાસના મુખ્યપ્રવાહમાં જોડી શકાય છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં એએમસી દ્વારા અમદાવાદને કાંકરિયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, શોપિંગ ફેસ્ટિવલ, ફ્લાવર શો, કાઇટ ફેસ્ટિવલ સહિતના અનેક આકર્ષણો ભેટ મળ્યાં છે, એવું તેમણે ઉમેર્યું હતું.
નાગરિકોને મનોરંજનની સુવિધાઓ મળવાની સાથે શહેરોમાં જનસુખાકારી વધે, હેપ્પીનેસ ઇન્ડેક્સ ઊંચા આવે તે વડાપ્રધાનશ્રીની નેમ છે. શહેરીજનોની સુખાકારી બાબતે ગુજરાતે અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં તેમણે કહ્યું કે, પહેલા કાંકરિયા ઓળખ ફકત તળાવ પૂરતી સીમિત હતી. નરેન્દ્રભાઈએ આ તળાવની કાયાપલટ કરી અને કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનના પરિણામે આજે કાંકરિયા તળાવ અને કાંકરિયા કાર્નિવલ બેનમૂન અને બેજોડ બન્યાં છે.
તેમણે ઉમેર્યું હતું કે, કાંકરિયા કાર્નિવલ 'વિરાસત ભી, વિકાસ ભી'ના મંત્રને સાકાર કરે છે. કાંકરિયા કાર્નિવલ જેવા આયોજનોથી રિક્રીએશનલ ટ્રાન્સફોર્મેશન થયું છે તેવું તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2024માં કાંકરિયા લેકફ્રંટની 42 લાખથી વધુ લોકોએ મુલાકાત કરી હતી. તેમણે સ્વછતા પર પણ ભાર મૂકીને નાગરિકોને સહયોગ કરવા અપીલ કરી હતી.
વધુમાં તેમણે કહ્યું કે, આજે વિકાસના અનેક પ્રકલ્પોના લોકાર્પણ થયા છે ત્યારે આ કાંકરિયા કાર્નિવલ હવે વિકાસ કાર્નિવલ પણ બન્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ મુજબ 2047 સુધીમાં વિકસિત ભારતને સાકાર કરવા માટે શહેરોને વધારે સસ્ટેનેબલ અને સુવિધાયુક્ત બનાવવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તથા અમદાવાદ વિકાસ સત્તામંડળના અંદાજે 526 કરોડથી વધારેના 109 વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં AMC વિભાગના 196.73 કરોડના 88 કામોના લોકાર્પણ તેમજ 150.46 કરોડના 12 કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ બન્ને મળીને કુલ 347.19 કરોડના 100 કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા હતા. ગાંધીનગર લોકસભામાં ઔડા વિભાગના 5.25 કરોડના 3 કામનું લોકાર્પણ અને 174.34 કરોડના 6 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ બન્ને લોકસભા વિસ્તારો મળીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડા વિભાગના રૂ. 526.78 કરોડના ખર્ચે 91 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાયું હતું.
આ અવસરે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાંકરિયાની કાયા પલટ કરીને અમદાવાદીઓને આનંદ અને ઉલ્લાસ મળી રહે એ માટે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવી હતી, જે પરંપરા આજે પણ સતત ચાલુ છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 16મો કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે. આ સાથે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા 526.78 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોની ભેટ નગરજનોને મળી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કિટનું વિતરણ કરાયું હતું.
કાંકરિયા કાર્નિવલના પ્રારંભે યોજવામાં આવેલી કાર્નિવલ પરેડ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરેડની થીમ લોકલ ટુ ગ્લોબલ હતી.
આ પ્રસંગે ડ્રોન શૉ પણ યોજવામાં આવ્યો હતો. ડ્રોન શૉથી કાંકરિયાનું આકાશ ઝળહળી ઊઠ્યું હતું. લોકલ ટુ ગ્લોબલ, કૉમનવેલ્થ ગેમ, ઓલિમ્પિક, ક્લીન સિટી, અટલજી, શોપિંગ ફેસ્ટિવલ વગેરેની ડ્રોન રચનાઓએ લોકોમાં ઉત્સાહનો વધારો કર્યો હતો.
આ ઉપરાંત દેશભક્તિના ગીતો સાથે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાયો હતો જેને શહેરીજનોએ માણ્યો હતો. કાર્નિવલના ભાગરૂપે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી કીર્તિદાન ગઢવીએ રંગ જમાવ્યો હતો.
આ પ્રસંગે અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા, સાંસદ હસમુખભાઈ પટેલ તથા દિનેશભાઈ મકવાણા, ડે.મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને શહેરના સર્વે ધારાસભ્યઓ તથા એએમસી અને ઔડાના પદાધિકારીઓ, એએમસીના કમિશનર બંછાનિધિ પાની તથા ઔડાના સીઈએ ડી.પી. દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ